વડોદરામાં ચોર-લૂંટારા બેફામ, 45 હજારના ચણિયાચોળી લઈ ગયા ચોર, મંગળસૂત્રની ચલાવી લૂંટ
Vadodara News : દેશભરમાં લોકો ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે તહેવાર ટાણે વડોદરામાં ચોરની ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. એક જ દિવસમાં શહેરમાં ત્રણ જગ્યાએ ચોરી થતાં રહીશો ચિંતામાં મુકાયા છે. પરિવાર ગણપતિના દર્શન કરવા ગયાં ત્યારે ચોર ટોળકીએ ઘરના તાળા તોડીને 76 હજારના દાગીના ચોરીને ફરાર થઈ ગયાં હતાં. ત્યાં બીજી બાજુ નજીકમાં જ પ્રોડક્ટિવિટી રોડ પરની દુકાનના તાળા તોડી ચોરે 45 હજારના ચણિયાચોળીની ચોરી કરી હતી.
ઘરનું તાળુ તોડી કરી ચોરી
વાઘોડિયા રોડ કૈલાસ પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક અજયકુમાર સલગર માંજલપુર અલવા નાકા પાસે ફાસ્ટેક લોન સર્વિસિસની ઓફિસમાં નોકરી કરે છે. 13મી સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠ વાગ્યે હાર્દિક પોતાની બહેન અને માતા સાથે ઘરને તાળુ મારીને ગણપતિ જોવા નીકળ્યા હતાં. રાત્રે સાડા અગિયાર વાગ્યે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે ઘરના દરવાજાનું તાળુ તૂટેલું હતું. ઘરમાં જઈને જોતા તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. ચોર ટોળકી સોનાના પાંચ તોલાના દાગીના અને ચાંદીની ઝાંઝર મળીને કુલ 76 હજારના ઘરેણાં ચોરી ગયા હતાં. જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વડોદરા: અત્યાર સુધી શહેરમાં શ્રીજીની 17,798 મૂર્તિઓનું વિસર્જન
ચણિયાચોળી લઈ ગયાં ચોર
બીજી બાજુ વડોદરાના વારસિયા અંબિકા નગર સોસાયટીમાં રહેતા કરણ હિરાલાલ લુધરાણીની પ્રોડક્ટિવિટી રોડ પર માનસી કોમ્પલેક્સમાં સુઈ-ધાગા નામની દુકાન છે. 13મી સપ્ટેમ્બરે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતાં. બીજા દિવસે સવારે દુકાનની સામે ચાની લારીવાળાએ કોલ કરીને હિરાલાલને જણાવ્યું કે, તમારી દુકાનમાં ચોરી થઈ ગઈ છે. દુકાને જતાં હિરાલાલને જાણ થઈ કે, 45 હજારના ચણિયાચોળીના પીસ મળીને કુલ 90 હજારની ચોરી થઈ હતી.
ધોળા દિવસે મંગળસૂત્રની લૂંટ
વડોદરાના ડભોઈ રોડ મહાનગર વુડાના મકાનમાં રહેતા જશોદાબેન ડાહ્યાભાઈ પરમાર ઘરની સામે પાનનો ગલ્લો ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે સાત વાગ્યે હું ઘરનું કામ પતાવીને ગલ્લા પર બેસવા ગઈ. મારા પતિ ગલ્લા પર બેઠા હતાં, તેથી હું પગથિયા પર બેઠી હતી. સાડા સાત વાગ્યે અગાઉ અમારા વુડાના મકાનમાં રહેતો સમીર આવ્યો હતો. મેં તેને પૂછ્યું કે, શું જોઈએ છે? ત્યારે તે કંઈપણ બોલ્યો નહીં અને મારા ગળામાંથી સોનાનું મંગળસૂત્ર આંચકીને ભાગવા લાગ્યો. મેં બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ ગયાં. મારા પતિ પણ તેને પકડવા પાછળ ભાગ્યા પણ ત્યાં સુધી તે ભાગી ગયો હતો. અંદાજે બે તોલા વજનનું 90 હજારની કિંમતનું મંગળસૂત્ર લઈે ભાગી જનાર સમીરની પોલીસ તપાસ કરી રહી છે.