આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવાનું શરુ: સપાટી 18 ફૂટે પહોંચવાની શક્યતા

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવાનું શરુ: સપાટી 18 ફૂટે પહોંચવાની શક્યતા 1 - image


Ajwa Lake Vadodara : વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ કડાકા ભડાકા સાથે માત્ર ચાર કલાકમાં પડેલા પાંચ ઇંચ જેટલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી સડસડાટ વધીને ભયજનક સપાટી તરફ પહોચીને 24.75 ફૂટે સ્થિર થયા બાદ ઘટીને આજે સવારે 15 ફૂટ થઈ હતી. જે બાદ આજે સવારે 7:30 વાગ્યાથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતાં વડોદરામાં વિશ્વામિત્રીનું લેવલ 18 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. આમ શહેર પરથી વધુ એક વાર પૂરનું સંકટ ટળી જતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કડાકા ભડાકા સાથે ગણતરીના કલાકોમાં ધોધમાર પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. પરિણામે સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ જવાથી ફરી એકવાર શહેર પર પૂરનું સંકટ ઘેરાતાં દહેશતનું વાતાવરણ ફેલાયું હતું. જો કે હજી પણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને સ્થાનિક રહીશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ધોધમાર પડેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 24.75 ફૂટે પહોંચી ગઈ હતી. જ્યારે આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ આસપાસ રહી હતી. જો કે મંગળવારે વરસાદે ખમૈયા કરતાં વિશ્વામિત્રીની જળ સપાટી ધીમે-ધીમે ઘટીને આજે 15 ફૂટે પહોંચી છે. આજવા સરોવરની સપાટી 213.49 ફૂટ રહી છે. જેથી અડધો ફૂટ પાણીનો જથ્થો વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે. 

આજવા સરોવરના 62 દરવાજા ખોલી પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવાનું શરુ: સપાટી 18 ફૂટે પહોંચવાની શક્યતા 2 - image

વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઉત્તતરોતર ઘટાડો થતાં 15 ફૂટ ઉપર સપાટી પહોંચી છે. ત્યારબાદ આજે સવારે 07:30 કલાકથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી વિશ્વામિત્રી નદીની સપાટી વધુમાં વધુ 18 ફૂટ સુધી પહોંચશે તેવી શક્યતા રહેલી છે જેથી પૂર આવવાની શક્યતા રહેશે નહીં. આમ શહેર પરથી વધુ એક વાર તોળાઈ રહેલું પૂરનું સંકટ ઓસરી ગયું છે. આજે સવારથી જ ઉઘાડ નીકળતાં શહેરનું જનજીવન ફરી એકવાર ધબકતું થયું છે.



Google NewsGoogle News