V.S ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં નવો ખુલાસો, 6 કરોડ રૂપિયા હોસ્પિટલમાં જ જમા થયાનો તત્કાલીન મેડિકલ સુપ્રિટેન્ડન્ટનો દાવો
V S Hospital Scam: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં કિલનિકલ રીસર્ચ કૌભાંડને લઈ તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડન્ટ મનીષ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મેં કોઈ કૌભાંડ આચર્યુ નથી. ક્લિનિકલ રીસર્ચ દરમિયાન જે ત્રણ મોત થયાની વાત છે, તે ત્રણ મોત એસ.વી.પી.હોસ્પિટલમાં થયા હતા. 40 થી 45 જેટલા ક્લિનિકલ ટ્રાયલ થયા હતા અને જેના છ કરોડ રુપિયા આવ્યા તે વી.એસ.હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થયા હતા. મારા કે મારા સગા સંબંધીના એકાઉન્ટમાં કોઈ રકમ જમા થઈ નથી.'
મંજૂરી બાદ 45 જેટલા કિલનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા
છેલ્લાં કેટલાક સમયથી ક્લિનિકલ ટ્રાયલને પગલે વિવાદનું એપીસેન્ટર બનેલી વી.એસ. હોસ્પિટલ ખાતે ક્લિનિકલ રીસર્ચ કૌભાંડને લઈ શુક્રવારે તપાસ કમિટી સમક્ષ હોસ્પિટલના તત્કાલીન મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉકટર મનીષ પટેલ, સસ્પેન્ડ કરાયેલા ડૉકટર દેવાંગ રાણા હાજર થયા હતા. આ તપાસ સમિતિની કાર્યવાહી અગાઉ વી.એસ.હોસ્પિટલ ખાતે આવેલા ટ્રોમા સેન્ટરના કિલનિકલ ટ્રાયલ રીસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવેલા પાંચ રૂમ સીલ કરી દેવામાં આવ્યા હતા. તપાસ સમિતિ દ્વારા ક્લિનિકલ રીસર્ચ કૌભાંડ મામલે નિવેદન લેવામાં આવ્યા હતા.
હોસ્પિટલના તત્કાલીન મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. મનીષ પટેલે જણાવ્યું કે, ‘મેં કોઈ કૌભાંડ આચર્યુ નથી. ટ્રાયલ લિગલ થયા છે. કમિટીની મંજૂરી મળી છે. હોસ્પિટલમાં કિલનિકલ ટ્રાયલ થયા એ એથિકસ કમિટીના નિયમ મુજબ જ કરવામાં આવ્યા છે.'
હોસ્પિટલમાં એથિકસ કમિટી ન હોવા છતાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં કેવી રીતે આવ્યા એ અંગે તેમણે કહ્યું કે, ‘50 કિલોમીટરની રેડિયસમાં એમ.ઓ.યુ કરી કિલનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન જે ત્રણ મોત થયાની વાત છે એ પૈકી એક પણ મોત વી.એસ.હોસ્પિટલમાં નથી થયું. તમામ ત્રણ મોત એસ.વી.પી. હોસ્પિટલ ખાતે થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલ એન.એચ.એલ. મેડીકલ કોલેજ સાથે સંલગ્ન છે. એન.એચ.એલ. મેડીકલ કોલેજ તરફથી અમને લેટર મળ્યો હતો. ઉપરથી મંજૂરી લીધા પછી અમે તમામ કિલનિકલ ટ્રાયલ કર્યા હતા. અમારૂ કોઈ જોઈન્ટ એકાઉન્ટ નહતુ. ડૉકટર દેવાંગ રાણાના ઉપરી અધિકારી તરીકે હું નહોતો.
ક્લિનિકલ ટ્રાયલના અંતે પૈસા આવતા હોય છે
વી.એસ. હોસ્પિટલ કિલનિકલ રીસર્ચ ટ્રાયલની રકમને લઈ હોસ્પિટલના તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડન્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ જ ચારથી પાંચ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી કિલનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ ટ્રાયલના અંતે પૈસા આવતા હોય છે. કયારેક કયારેક વચ્ચે પણ પૈસા આવતા હોય છે. કિલનિકલ ટ્રાયલ બે કે ત્રણ વર્ષ ચાલે તો એ મુજબ પૈસા આવતા હોય છે. પરંતુ આ પૈસા હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થતા હોય છે. એઈમ્સ અને પુંડીચરી સરકાર તથા આપણે ત્યાં પણ 10 ટકા પૈસા આવતા હોય છે.
તત્કાલીન ડેપ્યુટી કમિશનરની મંજૂરી પછી ટ્રાયલ કરાયા : ડૉ. રાણા
વી.એસ.હોસ્પિટલ ખાતેથી સસ્પેન્ડ કરાયેલા ડૉકટર દેવાંગ રાણા શુક્રવારે તપાસ કમિટી સમક્ષ જવાબ લખાવવા હાજર થયા હતા. ત્યારબાદ મિડીયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘વર્ષ-2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ-હોસ્પિટલ)ની મંજૂરી વાળો પત્ર મળ્યા પછી જ કિલનિકલ ટ્રાયલની કામગીરી શરુ કરવામાં આવી હતી. વી.એસ.હોસ્પિટલમાં તેમના કાર્યકાળમાં કિલનિકલ ટ્રાયલ દરમિયાન એક પણ મોત થયું નહતું. મને સાંભળ્યા વગર સસ્પેન્ડ કરવાનો એક તરફી નિર્ણય લેવામાં આવ્યો છે.'
ક્લિનિકલ કૌભાંડની તપાસને લઈ ભાજપ-કોંગ્રેસનું મૌન
વી.એસ. હોસ્પિટલ ખાતે કિલનિકલ રીસર્ચ ટ્રાયલ કૌભાંડને લઈ મ્યુનિસિપલ બોર્ડમાં જોરશોરથી મુદ્દાને ચગાવનારા વિપક્ષ કોંગ્રેસે તપાસ શરૂ થતાની સાથે જ ચૂપકીદી સેવી લીધી છે. જયારે ભાજપ તરફથી શહેરના મેયર અને વી.એસ. બોર્ડના ચેરમેન ખાલી એટલી પ્રતિક્રિયા આપે છે કે, તપાસ પૂરી થયા બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. ગરીબ અને મઘ્યમ વર્ગના દર્દીઓના જીવન સાથે ચેડાં કરીને કિલનિકલ રીસર્ચ માટે ટ્રાયલ કરવામાં આવ્યા એ બાબતની ગંભીરતા નથી કોંગ્રેસ કે નથી ભાજપને.