ઉસ્તાદ અમજદ અલી ખાનનું વારસાઈ ઘર બન્યું સૂરીલું 'સંગીત સદન', પખાવજની પ્રસ્તુતિએ ભક્તિમય માહોલ સર્જ્યો
Ustad Amjad Ali Khan: આ પૃથ્વી પર ઘણાં બધાં માનાંક (રેકોર્ડ) બનતા હોય છે. રમતગમત, ફિલ્મો, નાટક, સ્થાપત્યો, શિલ્પો, વાહનો, ગીત, સંગીત, નૃત્ય, સાહિત્ય સાહિત્યની અન્ય કળાઓ, અને કુદરત પણ રેકોર્ડ સ્થાપવાની હોડમાં હોય છે. કેટલાક સ્વાભાવિક પણે નોંધાઈ જાય છે અને ઘણાં તો રેકોર્ડ બનાવવા માટે શ્રમ કરતા હોય છે. સપ્તક સમારોહનો આરંભ થયો ત્યારે કલાકારોને વધાવવાના ઉપક્રમ થયા, શ્રોતાઓ રાજીના રેડ થઈ ગયા. અમદાવાદને શાસ્ત્રીય સંગીતનો સુપેરે, સન્મુખ વિગતવાર પરિચય થવા માંડ્યો પણ આવી તો કલ્પના જ કોઈએ કેવી રીતે કરી હોય કે, શાસ્ત્રીય સંગીત જે ગણ્યા ગાંઠ્યા લોકો માટેની જ પ્રવૃત્તિ છે તેને આટલો પ્રતિસાદ મળશે! હા, આ પણ એક રેકોર્ડ જ છે કે પ્રતિ વર્ષ એકથી તેર જાન્યુઆરી છેલ્લા પિસ્તાળીસ વર્ષોથી અવિરત સંગીત સાધના ચાલે અને સમય સાથે એ વઘુને વઘુ પ્રચલિત થતો જાય. ભારતીય સંસ્કૃતિની જય હો! પં.નંદન મહેતા અને વિદૂષી મંજુબહેનને નમન! ગત રાત્રિએ આર્કાઈવમાંથી ઉ.શાહિદ પરવેઝજીની સિતાર સંગત ઉ.ઝાકિર હુસેનજીનું તબલાં વાદન સાંભળવાનો લાભ મળ્યો.
સપ્તકની સ્વરસભા નવમી રાત્રિએ પણ જામી. મૂળ ગ્વાલિયરના ગૌરવપૂર્ણ પદ્મવિભૂષણ ઉ.અમજદ અલી ખાન અંતિમ સોપાને મંચસ્થ થયા. ભારતીય શાસ્ત્રીય સંગીતના આ સરોદવાદક સ્પષ્ટ અને ઝડપી એખરા તાન માટે પ્રખ્યાત છે. શાસ્ત્રીય સંગીત પરિવારની છઠ્ઠી પેઢીના વશંજોએ તેમની બસો વર્ષોની પરંપરા જાળવી રાખી છે. સરોજ એ અફઘાનના રબાબ નામના વાદ્યનું આગવું સ્વરૂપ છે જે એક લોકવાદ્ય હતું - જેને ઉ.અમજદ અલી ખાનના દાદાજી બસો વર્ષ પહેલાં લાવેલા. આ અગત્યનું ભારતીય વાદ્ય લાકડાંનું ‘‘વુડી’’ છે. તેના સ્વરો વધુ મધુરા છે. ઉસ્તાદજીએ દેશ-વિદેશે પોતાની અને દેશની સાખ વધારી છે. પં.રવિશંકરજી અને ઉ.ઝાકિર હુસેન જેવા યુગપ્રવર્તકો સાથે એમણે સંગત કરી છે. તેમને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર, બંગ વિભૂષણ આદિ સન્માન મળ્યાં છે. આરંભે એમણે રાષ્ટ્રપિતા ગાંધીજીને સમર્પિત ‘‘વૈષ્ણવજન’’ અને ‘‘રધુપતિ રાઘવ’’ રજુ કરી તેને મેડલીનું સ્વરૂપ આપ્યું. આ વરિષ્ઠતમ કલાકર્મીએ દિવંગત કલાકારોને સ્વરાંજલિ સમર્પવા હેતુ ઉ.ઝાકિર હુસેન અને વિદૂષી મંજુબહેનને સંભાર્યા. તેમણે સરોદવાદનમાં રાગ દુર્ગા એટલા માટે પસંદ કર્યો કે ભારતમાં થતા મહિલાઓના શોષણ અંગે જાણીને એમનું હૃદય દ્રવી ગયું છે. એમણે પીડિત નારીઓને રાગ દુર્ગા સમર્પિત કર્યો. અત્યંત ભાવુક થઈ એમણે કહ્યું કે દેશની મા દુર્ગા પણ શું લાચાર બની ગઈ હશે?
આ પણ વાંચોઃ પશુ-પક્ષીની સારવાર અને રક્ષા માટે આજથી 20મી સુધી કરુણા અભિયાન, પતંગ રસિયાઓને ખાસ અપીલ
નાદાધીનમ્ જગત સર્વમ્ : પખાવજની પ્રસ્તુતિએ ભક્તિમય માહૌલ સર્જ્યો
ઋતુ ઋતુના ખેલ અલગ અલગ હોય છે. ગત આખું સપ્તાહ ઠંડીના સપાટા ચાલેલા. નવમી જાન્યુઆરીની સપ્તક બેઠકમાં ઠંડીનું જોર થોડું ઘટ્યું હોવાનું નોંધાયું. રસિકોના પરિધાન પર એની અસર દેખાઈ પણ એમના સંગીત પ્રત્યેના પ્રેમમાં જોમ જુસ્સો અને રસ તો યથાવત! બેઠકના પ્રથમ ચરણે પં.નંદન મહેતા તાલવાદ્ય સ્પર્ધાના વિજેતા પુણેના સ્વપ્નિલ સૂર્યવંશીએ તાકાતથી ભરપૂર પખાવજ એકલવાદન પ્રસ્તુત કર્યું. ગુરુ પં. નારાયણજીને સ્મરીને અને ઉ.ઝાકિર હુસેનજી તથા વિદૂષી મંજુબહેનને નમન કરીને તાલ ચૌતાલમાં પ્રસ્તુતિ કરી. પારંપરિક બંદીશો બોલ સહિત રજૂ કરી વાતાવરણમાં ઊર્જા ભરી દીધી. શિવપરણ વખતે ‘‘હર હર મહાદેવ’’ અને વિષ્ણુપરણ વખતે ‘‘હરિ ઓમ્’’ ના સ્વરો ઉચ્ચારી તેમણે જાણે કે ભક્તિપૂર્ણ માહૌલ પેશ કરી દીધો. હાર્મોનિયમ પર યશવંત થીટ્ટે ઉપસ્થિત રહ્યા.
આ પણ વાંચોઃ મ્યુનિ.હસ્તક આવેલા અમદાવાદના સ્મશાનમાં છાણાંનો ઉપયોગ શરુ કરાયો
સંગીત અગાધ સાગર-અસીમ, અકળ, અસંદિગ્ધ
સંગીત સભાના દ્વિતીય મુકામે દિલ્હીથી વરિષ્ઠ બનારસ ઘરાનાની યુવા બંઘુબેલડી અમદાવાદ જેવા શ્રી સ્થળે ‘‘હાજરી ભરવા’’ આવી. દિવંગત પં.રાજન મિશ્રાના આ બે પનોતા પુત્રો રિતેશ મિશ્રા અને રજનીશ મિશ્રા પિતાશ્રી અને કાકાશ્રી પં.સાજન મિશ્રાના પગલે શાસ્ત્રીય કંઠ્યગાન ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે. મિશ્રા પરિવારમાં પ્રવર્તતી સંગીતલહેરીની આ છઠ્ઠી પેઢી એ તેમણે કુટુંબમાં સંવાદિતા જાળવી રાખી છે. જ્ઞાનાચાર્ય પં.બડેરામદામ મિશ્રાના આશિષના પ્રતાપે વિવિધ ધર્મો અને સંસ્કૃતિ વચ્ચે સંવાદિતા સાધવાનું મહાન સ્વપ્ન તેઓ પૂરું કરી રહ્યા છે. રિતેશ અને રજનીશના સ્વરો મઘુર, રાગોનું જ્ઞાન અને યોગ્ય નોટ્સનો સાચો પ્રયોગ તેમને પ્રસ્તુતિમાં અગ્રેસર બનાવે છે. સ્વર્ગીય સંગીત રચના તેમના તન, મન, આત્માને તૃપ્ત કરે છે. સ્વરાંગન ગુરુકુળ અને રાસિપા સંસ્થાના કારણે તેઓ વઘુ પોંખાયા છે. તેમણે રાગ બિહાગડામાં બડાખ્યાલ વિલંબિત એકતાલમાં રજૂ કર્યો. બંદીશ ‘‘ચલી પ્યારી પ્યારે કો મિલન’’ પછી દ્રુતલય એકતાલમાં અર્થદાર તરાના પેશ કરી દ્રુતલય તીનતાલમાં ‘‘બાજો રે ડફ બાજો’’ પ્રસ્તુત કર્યું. ત્યારબાદ રાગ સુરા સુધ રઈમાં તીન તાલ દ્રુતલયમાં ‘‘મદમાતી કોયલિયા બોલે બાગમેં’’ દિલના ઊંડાણથી બુલંદ સ્વરે લલકાર્યું. સમાપને ‘‘જગત મેં જૂઠી દેખી પ્રીત’’ ભજનથી ભાવકોને ભાવસભર કરી દીધા. તબલાં પર અકરમખાન અને હાર્મોનિયમ પર સુમિત મિશ્રાએ ઉચિત સાથ નિભાવ્યો.