પિતાના હાથમાં હાથકડી જોઇને નાનો પુત્ર ડઘાઇ ગયોઃ વિમાનમાં 40 કલાક સુધી ખુંખાર આરોપીઓ હોય તે રીતે રખાયા
USA Deported indian : અમેરિકામાં ઘુસણખોરી કરીને ગેરકાયદે પહોંચેલા 104 ભારતીયોને અમેરિકન લશ્કરના વિમાનમાં મોટા આતંકવાદી હોય તેવું વર્તન કરીને લાવવામાં આવ્યા હોવાનો આરોપ અમદાવાદ પહોંચેલા લોકોએ કર્યો હતો. ડીટેન્શન સેન્ટરથી તમામને હાથ પગમાં સાકંળ બાંધીને વિમાન સુધી લાવવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકોની સાંકળ અમૃતસર ખાતે ઉતર્યા બાદ ખોલવામાં આવી હતી. સાથે સાથે 40 કલાકની મુસાફરી દરમિયાન પુરતુ જમવાનું પણ અપાયું નહોતું. તો એક બાળક તેના પિતાના હાથમાં સાંકળ જોઇને ડઘાઇ ગયું હતું. આમ, તમામ સાથે થયેલા ગેરવર્તનને લઇને પણ રોષ જોવા મળ્યો હતો.
પૂરતું જમવાનું પણ ન મળ્યું
અમેરિકામાં ડોલરમાં આવક મેળવીને સેટલ થવાના ઇરાદે લાખો રૂપિયા ખર્ચ કરીને પરત આવેલા ગુજરાતના 37 લોકોએ તેમની સાથે અમેરિકન આર્મી દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન અંગે ખુલીને વાત કરી હતી. 104 ભારતીયોને અમેરિકાના ડીટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં તેમને અનેક દિવસો સુધી ગુનેગારની માફક રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને એરપોર્ટ લાવવામાં આવ્યા ત્યારે તમામ યુવકોના પગ અને હાથમાં સાંકળ બાંધવામાં આવી હતી. સાથેસાથે તેમના પરિવારની મહિલાઓ અને બાળકો સાથે પણ ગેરવર્તન કરાયું હતું. એટલું જ નહી જમવાનું અપુરતુ હતુ અને જમતા સમયે સાંકળ ન ખોલતા અન્ય મહિલાઓએ તમામને કોળિયા આપ્યા હતા.
ગુજરાતના એક વ્યક્તિએ કહ્યુ કે તે તેના બાળક અને પત્ની સાથે ગેરકાયદે અમેરિકા ગયો હતો અને તેના બાળકો સાથે ભારત પર મોકલાયો ત્યારે હાથ અને પગમાં સાંકળ હોવાથી તેમનો પુત્ર ગભરાઇ ગયો હતો. એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે ડીટેન્શન સેન્ટરમાં કેટલાંક અધિકારીઓએ ગેરવર્તન કર્યું હતું. અમેરિકાથી ભારત સતત 40 કલાક સુધી લક્શરના વિમાનમા આવેલા લોકો પર ભય જોવા મળ્યો હતો. ત્યારે સેન્ટ્રલ એન્જસીને આ તમામ બાબતે વાકેફ કરવામાં આવી છે.