Get The App

ગુજરાતના 17 જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ

Updated: Mar 31st, 2025


Google News
Google News
ગુજરાતના 17 જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ 1 - image


Weather Updates : ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને હીટવેવ અને માવઠાની આગાહી કરી છે. આવતીકાલે મંગળવારે (1 એપ્રિલ 2025) સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે આગામી 3 એપ્રિલ, 2025 સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 17 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 4 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

આવતીકાલે પોરબંદર-ગીર સોમનાથમાં હીટવેવનું યલો એલર્ટ

રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાના આગાહી કરી છે. જ્યારે આવતીકાલે મંગળવારે હવામાન વિભાગે પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આવતીકાલે મંગળવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે મંગળવારે (1 એપ્રિલ, 2025) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: VIDEO : મહેસાણાના ઉચરપી ગામ પાસે ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલટ ઈજાગ્રસ્ત

2-3 એપ્રિલની આગાહી

રાજ્યમાં 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા અને 3 એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

Tags :