Get The App

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ?

Updated: May 13th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ? 1 - image


Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે (13 મે) ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા. બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે. તો આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે. 

કયા તાલુકામાં કેટલો વરસાદ ?

રાજ્યમાં આજે (13 મે) અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સૌથી વધુ 21 મી.મી. વરસાદ પડ્યો છે. તો બોટાદમાં 20 મી.મી. વાસંદામાં 18 મી.મી., ચોટીલામાં 17 મી.મી., ઈડરમાં 14 મી.મી., દાંતામાં 13 મી.મી., ઉમરાળામાં 13 મી.મી., પ્રાંતિજમાં 12 મી.મી., વઘઈમાં 9 મી.મી., અમીરગઢમાં 8 મી.મી., હિમંતનગરમાં 8 મી.મી., કલોલમાં 3 મી.મી., ગાંધીનગરમાં 2 મી.મી. અને પોશીનામાં 1 મી.મી. વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ? 2 - image

અરવલ્લીમાં બાઈક પર સવાર યુવક પર વીજળી પડતા થયું મોત, બે મહિલાઓ ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે ગંધારીથી બાઈક પર આવી રહેલા યુવા ખેડૂત મહેશ ખાંટ પર વીજળી પડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. આ યુવક સાથે બાઈક પર રહેલી બે મહિલાઓ પણ વીજળી પડવાને કારણે ઈજાગ્રસ્ત થઈ હતી. આ યુવા ખેડૂતના મોતથી બે નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માલપુર પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો છે. જ્યારે ઇજાગ્રત બે મહિલાઓને સારવાર માટે માલપુર સીએચસી ખસેડાઇ છે. 

કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ ?

ભાવનગર જિલ્લામાં કરા સાથે વરસ્યો વરસાદ : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, સણોસરા, ઈશ્વરિયા, આબલા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.  તો બીજી તરફ કરા સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ? 3 - image

ભાવનગરમાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો

બોટાદમાં ભારે પવન ફૂંકાયો : બોટાદ શહેર અને બરવાળામાં પણ વરસાદ વરસ્યો છે. બોટાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેને લઈને ડિસ્ક્ટ્રીક્ટ કોર્ડના પાર્કિંગ શેડના પતરા ઉડ્યા છે.

અમરેલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ : અમરેલીના વરસડામાં ભારે પવન ફૂંકાયો છે. તો લાઠીના મતિરાળામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

મોરબી જિલ્લામાં ભારે પવન : વાંકાનેર તાલુકાના ઢુંવા આજુબાજુના વિસ્તારમાં ધૂળની આંધી ઉઠ્યા બાદ કરા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક હવામાનમાં પલટો આવવાની સાથે ધૂળની ડમરીઓ ઉઠી હતી અને કરા સાથે વરસાદ પડ્યો.

મહેસાણા પંથકમાં વરસાદ : મહેસાણાના મોઢેરા અને સદુથલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા પણ વરસાદ વરસ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ : સુરેન્દ્રનગરના વઢવાણ, લીંબડી, ચૂડા અને ધ્રાંગધ્રામાં વરસાદ પડ્યો છે.

સાબરકાંઠા-હિમંતનગરના વાતાવરણમાં પલટો : ઈડરના દરામલી અને વડાલીમાં પંથક વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના બપોર વરસાદ પડ્યો. સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. અચાનક પવન ફુંકાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જ્યારે કેટલાક વિસ્તારમાં છુટોછવાયો પડ્યો છે.

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ? 4 - image

વલસાડમાં મિનિ વાવાઝોડું, જિલ્લામાં પારાવાર નુકસાન : વલસાડના કપરાડા, સુથારપાડા, હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે જેને લઈને કેરીના પાકને નુકસાનની શક્યતા છે. તો ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્યો. ઉપરાંત ભારે પવનના કારણે ઘરોના પતરા ઉડી ગયા હતા. આ સિવાય 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે. ભારે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવા માહોલ સર્જાયો હતો. હાલ વીજ પુરવઠો યથાવત્ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. ઉપરાંત વાપી GIDCમાં પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ? 5 - image

દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ : દમણના સેલવાસના ખાનવેલ અને ખેડપા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તો દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડ્યો છે. સીંગ ડુંગરી, દૂધની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ : અરવલ્લીના શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું થયું છે.

મહીસાગર જીલ્લામાં વાતાવરણમાં પલટો : મહિસાગર જિલ્લાના સંતરામપુર, ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ? 6 - image

બનાસકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ : બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. દાંતા અને અંબાજીમાં પણ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, વીજળી પડતા એકનું મોત, જાણો કયા કેટલો વરસાદ? 7 - image

ડાંગ જિલ્લામાં કેરીના પાકને નુકસાન : ડાંગ જિલ્લામાં વરસાદ કેરીના ખેડૂતો માટે વેરી બનીને આવ્યો. આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કારણ કે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ક્યાંક પવનના કારણે કેરીઓ ખરી પડી તો ક્યાંક કરાના કારણે કેરીના ફળ પર ચાંદા પડી જતા પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભર ઉનાળે માવઠાને કારણે ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન વેઠવુ પડ્યુ છે.

ગાંધીનગર શહેરમાં વાતાવરણમાં પલટો : ગાંધીનગર શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેને લઈને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા. ભારે પવન બાદ ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો.

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો : અમદાવાદ શહેરમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી. આશ્રમ રોડ, સીજી રોડ, નારણપુરા, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, ગોતા, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. તો આ વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ છે. યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, ગોતા, સોલા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ, નવરંગપુરા, શાસ્ત્રીનગર, નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

રાજકોટ પંથકમાં પણ વાતાવરણમાં પલટો : રાજકોટ શહેર અને ગોંડલમાં ભારે પવન ફૂંકાયો છે.

મુંબઈમાં ભારે વરસાદ : મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. ઘણી ફ્લાઈટો ડાયવર્ટ કરાઈ છે.

આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જાહેર કરાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે આગામી 3 કલાક ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગની 4 દિવસની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેથી 16 મે સુધી વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગે આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને  દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે (14 મે) અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.


Google NewsGoogle News