અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, રાજ્યમાં અનેક જગ્યાએ કરાંવૃષ્ટિથી શિમલા જેવો માહોલ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો
Unseasonable Rainfall : રાજ્યમાં ભાર શિયાળે ચોમાસા જેવો અનુભવ થઇ રહ્યો છે. ઠેર-ઠેર શહેરોમાં માવઠુ થયું છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે અહેલી સવારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર અદ્ભુત મનાલી જેવો માહોલ સર્જ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરના SG હાઈવે સહિતના વિસ્તારમાં ભાર શિયાળે માવઠુ થયું.
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદના મણિનગર, એસજી હાઈવે, થલતેજ, પકવાન ચાર રસ્તા, જુહાપુરા, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આજે જાણે સૂર્યદાદા રજા પર હોય તેમ વાદળોએ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ પર કબજો જમાવી લીધો હતો.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલીના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ વાઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો.