ખાનગી યુનિ.ઓનું કૌભાંડ, 10000 રૂ.માં ગરીબ વિદ્યાર્થીઓને કર્યા ટારગેટ, પછી કરોડોની સ્કોલરશીપ ચાંઉ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ખાનગી યુનિ.ઓનું કૌભાંડ, 10000 રૂ.માં ગરીબ વિદ્યાર્થીઓને કર્યા ટારગેટ, પછી કરોડોની સ્કોલરશીપ ચાંઉ 1 - image


Scholarship Scam: ગુજરાતમાં ઠેર ઠેર ખૂલી ગયેલી ખાનગી યુનિવર્સિટીઓ પોતાને ત્યાં એડમિશન પૂરા કરાવવા અને તેની ફી વસૂલી માટે હવે અનામત કેટેગરીના વિધાર્થીઓની સ્કોલરશીપ યોજનાને ઢાલ બનાવી રહી છે. રાજ્યમાં ગરીબ પરિવારના અનુસૂચિત જાતિના વિધાર્થીઓને 10,000 રૂપિયા આપી તેમના ડોક્યુમેન્ટ્સ કબજે લઈને યુનિવર્સિટીઓ સ્કોલરશીપના કરોડો રૂપિયા સરકાર પાસેથી કમાઈ રહી છે. 

કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે?

એક પીડિત વિધાર્થી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 100 જેટલા વિધાર્થીઓ, તેમના એજન્ટ, તેમણે જ્યાં એડમિશન લીધું હોય એની યાદી સામે આવી છે, જેમને અમદાવાદની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન આપી તેમના ડોક્યુમેન્ટ્સ, સીમ કાર્ડ લઈને, ખાનગી બેન્કમાં ખાતું ખોલાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.   

અરજદારના જણાવ્યું કે, ' SC, ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી શિષ્યવૃત્તિ અને ફીની ભરપાઈ યોજના હેઠળના ભંડોળના દુરુપયોગમાં શૈક્ષણિક સંસ્થાઓના માલિકો, બેન્ક અધિકારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે.' 

અરજદારે એજન્ટના નંબર, વિધાર્થીઓના મોબાઈલ નંબર, તેમણે લીધેલ એડમિશનની વિગત, કોર્સના નામ જેવી વિગતો પૂરી પાડી છે, જેમાં અમદાવાદ, દહેગામ અને ધોળકામાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓના નામ છે. એજન્ટ દ્વારા અરજદારને 10,000 રૂપિયા આપવાનું કહીને અમદાવાદ ખાનગી યુનિવર્સિટી ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને નાસ્તો કરાવવામાં આવ્યો, યુનિવર્સીટી બતાવવામાં આવી અને ત્યારબાદ સંમતિ પત્રક પર સહી કરાવી લેવામાં આવી. અરજદારનું એડમિશન માસ્ટર્સ ઓફ ડિઝાઈનમાં કરવામાં આવ્યું પણ ક્લાસ કે યુનિવર્સિટી કે પરીક્ષા અને છેક આ વાતની ત્યારે ખબર પડી જ્યારે એકાઉન્ટમાં અલગ અલગ સમયે રૂપિયા 1.46 લાખ અને રૂપિયા 1.84  લાખ સ્કોલરશીપ જમા થવાના મેસેજ આવ્યા અને આવા મેસેજ બીજા વિધાર્થીઓને પણ આવ્યા. 

આ એજન્ટો દ્વારા એક નવું સીમ કાર્ડ એક્ટિવ કરવામાં આવ્યું જે તેમણે પોતાની જોડે રાખ્યું અને ત્યારબાદ જણાવ્યું કે આ કાર્ડ અમારી જોડે રહેશે અને તેની જોડે લિન્ક કરેલ બેન્ક ખાતું અમદાવાદની જ પ્રાઇવેટ બેંકમાં ખોલાવી દેવામાં આવ્યું જેમાં આ સ્કોલરશીપના પૈસા જમા થવા લાગ્યા. 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત વિભાગના અધિકારીએ ગુજરાત સમાચાર ને જણાવ્યું કે આ બાબતે અમારા ધ્યાને આવેલી વિગતો પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. અમારી જિલ્લા કક્ષાની ઓફિસો દ્વારા આવા એડમિશન અને સ્કોલરશીપના રેન્ડમ ચેકિંગ પણ કરવામાં આવતા હોય છે પરંતુ આવી કોઈ બાબત અત્યાર સુધી ધ્યાનમાં આવેલ નથી અને આવી તો કોઈ સમસ્યા હોય તો આવતા વર્ષથી અમે આવા વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરીશું.



Google NewsGoogle News