Get The App

કોરાના કાળના બહાના હેઠળ અમદાવાદના છ પે એન્ડ પાર્ક વધુ પાંચ વર્ષ માટે પધરાવવા દરખાસ્ત

કોન્ટ્રાકટની મુદત પુરી થયાના એક વર્ષથી વધુ સમય બાદ તંત્ર જાગ્યુ

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News

    કોરાના કાળના બહાના હેઠળ અમદાવાદના છ પે એન્ડ પાર્ક વધુ પાંચ વર્ષ માટે પધરાવવા દરખાસ્ત 1 - image 

  અમદાવાદ,બુધવાર,13 ડીસેમબર,2023

કોરોના કાળના સમયમાં  લોકડાઉનના કારણે આર્થિક નુકસાન થયુ હોવાના પરવાનેદારો દ્વારા રજુ કરાયેલા  બહાના હેઠળ અમદાવાદના છ પે એન્ડ પાર્કને ડીપોઝીટ અને વાર્ષિક લાયસન્સ ફીમાં ૨૦ ટકા વધારો કરી પરવાનાની મુદત થયા તારીખથી વધુ પાંચ વર્ષ કોન્ટ્રાકટની મુદત લંબાવવા સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.કોન્ટ્રાકટની મુદત પુરી થયાના એક વર્ષથી વધુ સમય બાદ એસ્ટેટ વિભાગ તરફથી દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે.

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા પે એન્ડ પાર્કની નકકી કરવામાં આવેલી નીતિ મુજબ, ૧૨ માર્ચ-૨૦૨૦થી કાલુપુર કબુતરખાના પાસે,બ્રિજની નીચે બંને બાજુ,પ્રેમ દરવાજા સામે, રતનપોળ,માણેકચોક સામે, જિલ્લા પંચાયત અને અપના બજાર વચ્ચેના ટ્રાફીક આઈલેન્ડ, નહેરુબ્રિજના પૂર્વ છેડે,રુપાલી સર્કલ આઈલેન્ડ પાર્કીંગ પ્લોટ તથા રાયખડમ્યુનિ.ઉર્દૂ શાળા એમ કુલ છ સ્થળે પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરવા માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.છ પાર્કીંગ પૈકી ચાર પાર્કીંગના કોન્ટ્રાકટની મુદત ૨૦ એપ્રિલ-૨૦૨૨ તથા એક પાર્કીંગના કોન્ટ્રાકટની ૩ સપ્ટેમબર-૨૦૨૨ તેમજ એક કોન્ટ્રાકટની મુદત ૩૧ ઓગસ્ટ-૨૦૨૩ના રોજ પુરી થઈ છે.મુળ ટેન્ડરની શરત અને ભાવપત્રક યથાવત રાખવામાં આવશે.જે પે એન્ડ પાર્કીંગ કોન્ટ્રાકટની મુદતમાં પાંચ વર્ષનો વધારો કરવા દરખાસ્ત મુકાઈ છે.એ પૈકી કેટલાક પાર્કીંગના સ્થળ ઉપર વાહન પાર્ક કરવાના ભાવથી લઈ સમય તથા કયા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ છે એ દર્શાવતા બોર્ડ લોકો જોઈ શકે એ પ્રમાણે મુકવામાં આવતા નથી.માણેકચોકમાં તો પે એન્ડ પાર્કીંગના આગળ જ  લારી સહિતના દબાણ ઉભા કરી દેવામાં આવતા હોય છે.

એક જ કોન્ટ્રાકટર પાસે પાંચ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટ

જગ્યા                        કોન્ટ્રાકટર         મુદત પુરી થયા તારીખ

કાલુપુર કબુતરખાના પાસે      શૈલેશ પરીખ   ૨૦ એપ્રિલ-૨૦૨૨

પ્રેમ દરવાજા સામે              શૈલેશ પરીખ   ૨૦ એપ્રિલ-૨૦૨૨

રતનપોળ સામે,માણેકચોક      શૈલેશ પરીખ   ૨૦ એપ્રિલ-૨૦૨૨

અપનાબજાર,આઈલેન્ડ     શૈલેશ પરીખ        ૨૦ એપ્રિલ-૨૦૨૨

રુપાલી સર્કલ,આઈલેન્ડ   શૈલેશ પરીખ       ૩ સપ્ટેમબર-૨૦૨૨

રાયખડ મ્યુ.શાળા પાસે  મોહસીનખાન પઠાણ    ૩૧ ઓગસ્ટ-૨૦૨૩


Google NewsGoogle News