અંદાજપત્રના ઓથા હેઠળ એક જ કોન્ટ્રાકટરને વ્હાઈટ ટોપીંગ રોડના ૧૫૨ કરોડના કામ પધરાવાશે
કોન્ટ્રાકટર સર્જન ઈન્ફ્રાકોન પ્રા.લિને કામગીરી આપવા રોડ કમિટીમાં દરખાસ્ત મુકાઈ
અમદાવાદ,શુક્રવાર,7 ફેબ્રુ,2025
અમદાવાદમાં વર્ષ-૨૦૨૨-૨૩થી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવાની
કામગીરી શરૃ કરવામાં આવી છે. વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવાની શરુઆત થઈ ત્યારથી ગુરુકુળ ઉપરાંત બાપુનગર અને જોધપુર વોર્ડમાં એક
વખત બની ગયેલા વ્હાઈટ ટોપીંગ રોડ તોડવા પડયા હતા. આમ છતાં પણ અંદાજપત્રના ઓથા હેઠળ
એક જ કોન્ટ્રાકટર સર્જન ઈન્ફ્રાકોન પ્રા.લિ.ને
રુપિયા ૧૫૨ કરોડના વ્હાઈટ ટોપીંગ રોડ શહેરના વિવિધ વિસ્તારમાં બનાવવા
આપવાની દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવી છે.
શહેરમાં આવેલા જુદા જુદા રસ્તાઓને પેકેજ-૧ અને ૨ હેઠળ
વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવા માટે ત્રીજી વખત ટેન્ડર ઈન્વાઈટ
કરવામાં આવતા લોએસ્ટ વન તરીકે કોન્ટ્રાકટર સર્જન ઈન્ફ્રાકોન હોવાનો કમિટી સમક્ષ
મુકવામા આવેલી દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે,કમિટી સમક્ષ
મંજૂરી માટે મુકવામાં આવેલી બે અલગ અલગ દરખાસ્તમાં વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ
બનાવવા લોએસ્ટ વન તરીકે સર્જન ઈન્ફ્રાકોન પ્રા.લિ. છે. બંને પેકેજમાં અલગ અલગ
વિસ્તારમાં વ્હાઈટ ટોપીંગ રોડ આ એક જ કોન્ટ્રાકટર બનાવશે. આમ છતાં પેકેજ-૨માં
અંદાજથી વધુ ૨૭.૪૯ ટકા વધુ એટલે કે રુપિયા ૭૬.૮૦ લાખ તથા પેકેજ-૩માં અંદાજથી વધુ
૨૬.૪૧ ટકા ભાવ એટલે કે રુપિયા ૭૬.૧૫ કરોડની રકમથી કામ કરવા કોન્ટ્રાકટર તરફથી ઓફર
કરવામાં આવી છે.બંને દરખાસ્ત મુજબ કોન્ટ્રાકટરને જી.એસ.ટી. અલગ ચૂકવવામાં આવશે.