નેશનલ કલીન એરપ્રોગ્રામ અંતર્ગત હવાનું પ્રદૂષણ ઘટાડવા ગ્રાન્ટ લેવી છે પણ રોડ ઉપર ફુટપાથ બનાવવા ઈન્કાર
છ કરોડમાંથી તો વોર્ડમાં સારા રોડ બની જાય એમ કહી દરખાસ્ત પરત કરાઈ
અમદાવાદ,ગુરુવાર,13 ફેબ્રુ,2025
નેશનલ કલીન એરપ્રોગ્રામ અંતર્ગતકેન્દ્ર સરકાર તરફથી હવાનુ
પ્રદૂષણ ઘટાડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને
ગ્રાન્ટ લેવી છે પણ બીજી તરફ રોડની બંને સાઈડ ઉપર ફુટપાથ બનાવવાથી હવાનુ પ્રદૂષણ
થોડુ ઘટવાનુ હતુ એમ કહી ચાંદખેડા વોર્ડમાં એરપોલ્યુશન માટે હોટ સ્પોટ જાહેર
કરાયેલા ૧૪ વિવિધ રસ્તાઓની બંને સાઈડ ફુટપાથ બનાવવા ઈન્કાર કરી દેવાયો છે.છ
કરોડમાંથી તો સારા રોડ બની જાય એમ કહી સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પરત કરી હતી.
ચાંદખેડા વોર્ડ ૧૨.૨૦
ચોરસ કિલોમીટર જેટલો મોટો વોર્ડ છે.વોર્ડમાં કેટલાક ડામર રસ્તા આવેલા છે.તો
કેટલાક કાચા રસ્તા છે.જેને પાકા કરવાથી હવાનુ પ્રદૂષણ ઘટાડી શકાય છે એવા તર્ક સાથે
વોર્ડમાં આવેલા ૧૪ રસ્તાઓ ઉપર ફુટપાથના બદલે કાચો ભાગ હોવાથી હવાના પ્રદૂષણમાં
વધારો થતો હોવાનુ કારણ આગળ કરી નેશનલ એરકલીન પ્રોગ્રામ અંતર્ગત આ તમામ રસ્તાઓની
બંને સાઈડ ઉપર નવી ફુટપાથ બનાવવા કોન્ટ્રાકટર આશીષ કન્સ્ટ્રકશનના રુપિયા ૬.૮૪ કરોડના
રોડ કમિટીએ મંજૂર કરેલા ટેન્ડર ઉપર સ્ટેન્ડિંગ કમિટીએ બ્રેક મારવાની સાથે દરખાસ્ત
જ મ્યુનિસિપલ કમિશનર તરફ પરત મોકલી દીધી છે. આ દરખાસ્ત ઉપરની ચર્ચા સમયે અગાઉ
જોધપુર વોર્ડમા આવેલા બોપલ વિસ્તારના વિવિધ રસ્તાઓ ઉપર રુપિયા ૧.૫૦ કરોડના ખર્ચથી
એન્યુઅલ રેટ કોન્ટ્રાકટથી ફુટપાથની કામગીરી કરાઈ હોવાનો સંદર્ભ રજુ કરાયો હતો.