Get The App

સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા જ નથી

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા જ નથી 1 - image


CCTV Camera on Traffic Junction: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ અંતર્ગત શહેરના તમામ ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી કેમેરા લગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી કેમેરા જ નથી. 130 ટ્રાફિક જંકશન ઉપર 1999 સીસીટીવી કેમેરા લગાવવા રુપિયા 16.20 કરોડનો ખર્ચ કરાયો હતો. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકીના ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી.

ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદને દેશના પ્રથમ વીસ શહેરમાં સ્થાન આપવામાં આવતા વર્ષ-2016 પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડની રચના કરવામાં આવી હતી. પાન સિટી તથા એરિયાબેઝ શહેરનો વિકાસ કરવા સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ હેઠળ તમામ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવાના હતા.એડવોકેટ અતિક સૈયદે કહ્યું, સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં કુલ 290 ટ્રાફિક જંકશન આવેલા છે.

આ પૈકી પશ્વિમ ઝોનમાં 84, ઔડા વિસ્તારમાં 15, દક્ષિણ ઝોનમાં 39, મધ્યઝોનમાં 34, પૂર્વ ઝોનમાં 28, ઉત્તરઝોનમાં 20, ઉત્તર-પશ્વિમ ઝોનમાં 12 તથા દક્ષિણ-પશ્વિમ ઝોનમાં 8,રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટમાં 16 ટ્રાફિક જંકશન છે. વર્ષ-2018-19થી 2020-21 સુધી અલગ અલગ વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા પછી વર્ષ-2021-22થી ત્રણ વર્ષમાં મ્યુનિસિપાલિટીના સ્માર્ટ સિટી મિશન તરફથી બાકી રહેલા ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી કેમેરા લગાવવા કોઈ ખર્ચ કરાયો નથી કે કાર્યવાહી પણ કરવામાં આવી નથી. આ તમામ ટ્રાફિક જંકશન ઉપર મ્યુનિ.તંત્રે સીસીટીવી કેમેરા લગાવ્યા નહીં હોવાથી શહેર પોલીસ ચોરી, લૂંટ, અકસ્માત  જેવા ગુનામાં ગુનેગારોને પકડી શકતી નથી.

વર્ષ મુજબ ટ્રાફિક જંકશન ઉપર લગાવાયેલા સીસીટીવી કેમેરા

વર્ષ 
ટ્રાફિક જંકશન
કેમેરા
2018-19
17
17
2019-20
75
1170
2020-21 
38 
587
કુલ
130
1999



કયા મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર કેમેરા નથી

સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ અંતર્ગત શહેરના તમામ 290 ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યો હતો. શહેરમાં હાલમાં પણ 160 ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી કેમેરા લગાવાયા નથી.આ પૈકી કેટલાક મુખ્ય ટ્રાફિક જંકશનની વિગત આ મુજબ છે.

1. પંચતીર્થ ટ્રાફિક જંકશન

2. ડુંગરશી નગર ટ્રાફિક જંકશન

3. પીરકમાલ મસ્જિદ ટ્રાફિક જંકશન

4. રાયખડ ટ્રાફિક જંકશન

5. ઓઢવ ફાયર સ્ટેશન ટ્રાફિક જંકશન

6. પકવાન ટ્રાફિક જંકશન

7. ડફનાળા ટ્રાફિક જંકશન

8. ગિરધરનગર ટ્રાફિક જંકશન

9. કામા હોટલ ટ્રાફિક જંકશન

10. માઉન્ટ કાર્મેલ ટ્રાફિક જંકશન


Google NewsGoogle News