વ્યાજમાફી સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક બે હજાર કરોડને પાર પહોંચી
વ્યાજ માફી સ્કીમ અંતર્ગત ૪૯ કરોડથી વધુની રકમનું કરદાતાઓને ડીસ્કાઉન્ટ અપાયું
અમદાવાદ,શુક્રવાર,29 માર્ચ,2024
૧૫ ફેબુ્રઆરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
વર્ષ-૨૦૨૨-૨૩ સિવાયના અગાઉના વર્ષના બાકી પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓ માટે
વ્યાજ માફી સ્કીમ શરુ કરવામાં આવી હતી.આ સ્કીમ અંતર્ગત મ્યુનિ.તંત્રને રુપિયા
૨૮૭.૧૭ કરોડની નેટ ઈન્કમ ૨૮ માર્ચ સુધી થવા પામી હતી. આ સમય દરમિયાન કરદાતાઓને
રુપિયા ૪૯.૨૪ કરોડ જેટલી રકમનુ ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યુ છે.૨૯ માર્ચની સાંજ
સુધીમાં અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક રુપિયા બે હજાર કરોડના આંકને વટાવી ગઈ
હતી.૩૧ માર્ચ રાત્રિ સુધીમાં આ આવકમાં હજુ વધારો થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુની અને નવી
ફોર્મ્યુલા મુજબ અગાઉના વર્ષોનો બાકી પ્રોપર્ટીટેકસ ભરનારા કરદાતાઓ માટે વ્યાજ
માફી સ્કીમ ૧૫ ફેબુ્રઆરી-૨૦૨૪થી શરુ કરવામાં આવી હતી.રહેણાંક મિલકત માટે અગાઉના
વર્ષોનો બાકી મિલકતવેરો ભરપાઈ કરનારા કરદાતાઓને વ્યાજમાં ૭૫ તથા કોમર્શિયલ મિલકત
માટે ૬૦ ટકા વ્યાજ માફી આપવામાં આવી રહી છે.૧૫ ફેબુ્રઆરીથી ૨૮ માર્ચ સુધીના સમયમાં
મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્યાજ માફી સ્કીમ હેઠળ રુપિયા ૨૮૬.૬૮ કરોડની નેટ ઈન્કમ થઈ
છે.આ આંક ૩૧ માર્ચની રાત્રિ સુધીમાં વધીને રુપિયા ૩૦૦ કરોડના આંકને વટાવી દેશે એવી
સંભાવના મ્યુનિ.સૂત્રોએ વ્યકત કરી છે.
ઝોન વાઈસ વ્યાજ માફી સ્કીમની કયાં -કેટલી આવક?
ઝોન નેટ ઈન્કમ ડીસ્કાઉન્ટ(કરોડમાં)
મધ્ય ૬૮.૨૮
૯.૫૮
ઉત્તર ૩૯.૪૬ ૮.૯૫
દક્ષિણ ૫૧.૫૦ ૯.૦૮
પૂર્વ ૪૬.૪૬ ૮.૬૮
પશ્ચિમ ૪૭.૧૫ ૬.૫૧
ઉ.પ. ૪૨.૫૨ ૧.૯૯
દ.પ. ૪૧.૦૪ ૪.૪૫
કુલ ૩૩૬.૪૧ ૪૯.૨૪
એક જ દિવસમાં પ્રોપર્ટીટેકસ પેટે રુપિયા તેર કરોડથી વધુની
આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૫ ફેબુ્આરીથી બાકી
મિલકતવેરાની ભરપાઈ કરનારા કરદાતાઓ માટે વ્યાજ માફી સ્કીમ શરુ કરાઈ છે.આ સ્કીમ અંતર્ગત
શુક્રવારે જાહેર રજાનો દિવસ હોવા છતાં રુપિયા તેર કરોડથી વધુની આવક મ્યુનિ.તંત્રને
પ્રોપર્ટીટેકસ પેટે થઈ છે.
તમામ ટેકસની આવક રુપિયા બે હજાર કરોડને પાર
વર્ષ-૨૦૨૨-૨૩માં ૨૮ માર્ચ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને
મિલકતવેરા ઉપરાંત પ્રોફેશનલ તથા વ્હીકલ ટેકસ મળી તમામ ટેકસ પેટે રુપિયા ૧૯૧૬.૦૯
કરોડ આવક થવા પામી હતી.વર્ષ-૨૦૨૩-૨૪માં ૨૮ માર્ચ સુધીમાં તમામ ટેકસ પેટે
મ્યુનિ.તંત્રને રુપિયા ૨૦૮૭.૭૨કરોડ આવક થવા પામી હતી.
પ્રકાર આવક(કરોડમાં)
મિલકતવેરો ૧૬૧૯.૦૦
પ્રોફેશન ૨૩૫.૪૩
વ્હીકલ ૨૧૪.૫૨
ટીએસએફ ચાર્જ ૧૮.૭૭
કુલ ૨૦૮૭.૧૨
નદીપારના વિસ્તારમાંથી એક હજાર કરોડથી વધુની પ્રોપર્ટીટેકસ
પેટે આવક
એક એપ્રિલ-૨૦૨૩થી ૨૮ માર્ચ-૨૪ સુધીમાં અમદાવાદના સાત ઝોન
પૈકી નદીપાર આવેલા પશ્ચિમ,
ઉત્તર-પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ એમ ત્રણ ઝોનમાંથી ૨૮ માર્ચ-૨૪ સુધીમાં
પ્રોપર્ટીટેકસ પેટે મ્યુનિ.તંત્રને રુપિયા ૧૦૬૬.૮૬ કરોડની આવક થવા પામી હતી.પશ્ચિમ
ઝોનમાંથી સૌથી વધુ રુપિયા ૪૨૮.૯૨કરોડ આવક થઈ હતી.
ઝોન આવક(કરોડમાં)
મધ્ય ૨૩૯.૨૦
ઉત્તર ૧૬૩.૫૮
દક્ષિણ ૧૭૧.૬૦
પૂર્વ ૨૦૮.૭૯
પશ્ચિમ ૪૨૮.૯૨
ઉ.પ. ૩૬૫.૬૩
દ.પ. ૨૭૨.૩૧
કુલ ૨૦૬૪.૫૪
રવિવારે રાત્રે દસ કલાક સુધી તમામ સિવિક સેન્ટર ચાલુ રખાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના શહેરના તમામ ૪૮
વોર્ડમાં આવેલા સિવિક સેન્ટર કરદાતાઓ પ્રોપર્ટી ટેકસ ભરી શકે એ માટે ચાલુ રાખવામાં
આવશે.