બાયોમાઈનીંગ પ્રોજેકટ અંતર્ગત પીરાણા ડમ્પસાઈટને એક વર્ષમાં સંપૂર્ણ કચરામુકત કરાશે

૯૫ લાખ મેટ્રીકટન કચરો સાફ કરી ૩૫ એકર જમીનને ખુલ્લી કરવામા આવી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News

     બાયોમાઈનીંગ પ્રોજેકટ અંતર્ગત પીરાણા ડમ્પસાઈટને એક વર્ષમાં સંપૂર્ણ કચરામુકત કરાશે 1 - image

  અમદાવાદ,શનિવાર,28 ઓકટોબર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાયોમાઈનીંગ પ્રોજેકટ અંતર્ગત પીરાણા ડમ્પસાઈટને આગામી એક વર્ષમાં સંપૂર્ણ કચરામુકત કરવા કવાયત શરુ કરાઈ છે.અત્યારસુધીમાં ૯૫ લાખ મેટ્રીકટન કચરો સાફ કરી ૩૫ એકર જમીનને ખુલ્લી કરવામાં આવી છે.

વર્ષ-૧૯૮૦થી અમદાવાદનો કચરો પીરાણા ખાતે આવેલી ડમ્પસાઈટ ઉપરનાંખવામા આવે છે.ડમ્પસાઈટ ઉપર અંદાજીત ૧૨૫ લાખ મેટ્રીકટનથી વધુ ઘનકચરો હોવાનુ તંત્રનુ અનુમાન છે.૮૪ એકર જમીન પૈકી ૫૯ એકર જમીન ઉપર ત્રણ લોકેશન કે જેમાં નારોલ-સરખેજ હાઈવે તરફનો અજમેરી ફાર્મ પાસેનો અજમેરી ડમ્પ, એકસેલ પ્રોસેસીંગ પ્લાન્ટની પાછળની બાજુએ આવેલો હાઈડમ્પ તથા એકસેલ પ્રોસેસીંગ પ્લાન્ટની પાછળની બાજુએ હાઈટેન્શન લાઈન પસાર થયા બાદ આવેલા ડમ્પનો સમાવેશ થાય છે.જાન્યુઆરી-૨૦૧૯થી પાયલોટ પ્રોજેકટ તરીકે બાયોમાઈનીંગ પ્રોજેકટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામા આવ્યો હતો.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ, હાલમાં દૈનિક ૩૦ હજાર મેટ્રીકટન લિગાસી વેસ્ટ પ્રોસેસ કરવામા આવે છે.હાલમાં ડમ્પસાઈટ ઉપર  ૩૦૦ મેટ્રીકટનના ૬૦ તથા એકહજાર મેટ્રીકટનના ૧૧ ઓટોમેટેડ સેગ્રીગેશન મોબાઈલ ટ્રોમેલ મશીન બે શિફટમાં કાર્યરત કરવામા આવેલા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન એન્વાયરોને આર.ડી.એફ.ના પ્રોસેસીંગ માટે કામગીરી સોંપવામાં આવી છે.એજન્સીને છ એકર જગ્યા આપવામાં આવી છે.એજન્સી દ્વારા દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા ૫૧ લાખથી વધુની રકમ વાર્ષિક રોયલ્ટી ચુકવવામા આવશે.એજન્સી દ્વારા દૈનિક ધોરણે ત્રણ હજાર મેટ્રીકટન બાયોમાઈનીંગમાંથી નીકળતા આર.ડી.એફ.નું પ્રોસેસીંગ કરી સીમેન્ટ ઈન્ડસ્ટ્રીઝને કોફાયરીંગ તરીકે વાપરવા માટે સપ્લાય કરવામા આવશે.સદભાવ એન્જિનીયરીંગ દ્વારા પીરાણા બાયોમાઈનીંગમાંથી નીકળતા ઈનર્ટ મટીરીયલને ધોલેરા એકસપ્રેસ હાઈવે બનાવવા માટે ઉપયોગમા લેવામા આવે છે.જે માટે એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ મેટ્રીકટન દોઢ રુપિયો ચુકવાય છે.અત્યારસુધીમા ૧૨.૫ લાખ મેટ્રીકટન કરતા વધુ ઈનર્ટનો ઉપયોગ કરાયો છે.શહેરના સાત ઝોન ઉપરાંત ઔડા વિસ્તારમાંથી રોજ અંદાજે  પાંચ હજાર મેટ્રીકટન કચરો મ્યુનિ.તંત્ર દ્વારા એકઠો કરી પ્રોસેસ કરવામા આવે છે.

૫૦ હજાર ચોરસમીટરમાં ગાઢ જંગલ વિકસીત કરાયુ

અમદાવાદ મ્યુનિ.ના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞોશ પટેલના કહેવા મુજબ,દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં શાહવાડી પાસે ટોરેન્ટ પાવરના સબસ્ટેશન પાસે પચાસ હજાર ચોરસમીટર વિસ્તારમાં મિયાવાંકી પધ્ધતિથી ગાઢ જંગલ વિકસીત કરાયુ છે.આ જંગલમાં દેશના તમામ પ્રકારના પ્લાન્ટ રોપી વિકસીત કરાયા છે.આ જંગલ વિકસીત થતા આસપાસના વિસ્તારમાં હવાનુ પ્રદૂષણ ઘટી શકશે.ઉપરાંત રહીશોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.


Google NewsGoogle News