Get The App

અદાણીના રાજમાં અમદાવાદ ઍરપૉર્ટ પર યુઝર ડેવલપમેન્ટ ફી 5 વર્ષમાં 85થી વધીને 880 રૂપિયા થઈ, તોય સુવિધા ન સુધરી

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
અદાણીના રાજમાં અમદાવાદ ઍરપૉર્ટ પર યુઝર ડેવલપમેન્ટ ફી 5 વર્ષમાં 85થી વધીને 880 રૂપિયા થઈ, તોય સુવિધા ન સુધરી 1 - image


Ahmedabad Airport : અમદાવાદનું ઍરપૉર્ટ અદાણી ગ્રૂપ પાસે ગયું પછી છેલ્લા ત્રણ વર્ષમાં યુઝર્સ ડેવલપમેન્ટ ફી(યુડીએફ)માં 900 ટકાથી વધારે સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. પેસેન્જર પાસેથી ટિકિટની સાથે વસૂલવામાં આવતી યુઝર્સ ડેવલપમેન્ટ ફી ડોમેસ્ટિક પેસેન્જર માટે 2020માં માત્ર 85 રૂપિયા હતી તે વધીને 450 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ઇન્ટરનેશનલ પેસેન્જર માટે તો યુઝર્સ ડેવલપમેન્ટ ફી 2020માં 85 રૂપિયા હતી તે વધારીને 880 રૂપિયા કરી દેવાઈ છે. બીજી તરફ ઍરપૉર્ટની સુવિધામાં કોઈ સુધારો થયો નથી અને હજુય ઠેર ઠેર લાઇનો જ જોવા મળે છે. 

યુઝર ડેવલપમેન્ટ ફીમાં તોતિંગ વધારો છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડું : આવક ઘરભેગી થાય છે

અમદાવાદ સહિતનાં ઍરપૉર્ટનો વહીવટ કેન્દ્ર સરકારની ઍરપૉર્ટ ઑથેરિટી ઑફ ઇન્ડિયા કરે છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેથી અદાણી ગ્રૂપ માટે મોસાળમાં જમણવાર ને મા પીરસે જેવો ઘાટ છે. તેનો લાભ લઈને અદાણી ગ્રૂપે 4 વર્ષમાં વિમાનમાં મુસાફરી કરનારાને લૂંટવામાં કોઈ કસર છોડી નથી. યુઝર્સ ડેવલપમેન્ટ ફી લેવાનો ઉદ્દેશ ઍરપૉર્ટ ઉપર પેસેન્જરને સારી સર્વિસ અને સારી ફેસિલિટી આપવાનો છે. યુઝર્સ ડેવલપમેન્ટ ફીની રકમ સારી સવલતો માટે ખર્ચવી જોઈએ પણ તેના બદલે અદાણી ગ્રૂપ આ રકમ ઘરભેગી કરી રહ્યું છે.  

ઍરપૉર્ટનો કોન્ટ્રાક્ટ અપાયો હોય તે સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે ઍરપૉર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા છે. જે પ્રમાણે ચાર્જીસ વસૂલ કરવામાં આવે છે તે પ્રમાણે ઍરપૉર્ટ ઉપર ફેસિલિટી છે કે નહીં અને યુડીએફના ચાર્જીસ કેમ વધારવામાં આવ્યા છે તેના પર પણ તેની નજર હોય છે પણ અદાણી ગ્રૂપ દ્વારા અમદાવાદ ઍરપૉર્ટ પર કરાયેલા ફી વધારા પર કોઈ નજર રખાતી નથી એ સ્પષ્ટ છે.  

અદાણી ગ્રૂપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં કોઈ ધારા ધોરણો ઘ્યાનમાં લેવામાં આવ્યા નથી એવું લાગે છે. અદાણી ગ્રૂપ દ્વારા ટર્મિનલ બિલ્ડીંગની બહાર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપીને મોટા ભાગની રકમ ઘરભેગી કરાઈ રહી છે. 

ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ બંને પેસેન્જર્સની લૂંટ

અમદાવાદ ઍરપૉર્ટ પર 2020માં ડોમેસ્ટિક પેસેન્જર માટે યુડીએફ 85 રૂપિયા હતી. 1 માર્ચ 2022થી તેમાં વધારો કરીને સીધી 250 રૂપિયા કરી દેવાઈ. આમ એક સામટો લગભગ બમણો એટલે કે 165 રૂપિયાનો તોતિંગ વધારો ડોમેસ્ટિક પેસેન્જર માટે ઝીંકી દેવાયો હતો. આવી જ પરિસ્થિતિ ઇન્ટરનેશનલ પેસેન્જર માટે પણ ઊભી થયેલી છે. ઇન્ટરનેશનલ પેસેન્જરે ટિકિટની સાથે લેવાતી યુડીએફ 2020માં 85 રૂપિયા હતી. 

1 ફેબ્રુઆરી 2022થી ત્રણ માર્ચ 2023 સુધીમાં તેમાં સીધો 550 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો અને ફી 635 રૂપિયા કરી દેવાઈ. 2024-25ના વર્ષ માટે ડોમેસ્ટિક પેસેન્જરો માટે 450નો સૂચિત દર નક્કી કરી દેવામાં આવ્યો અને ઇન્ટરનેશનલ પેસેન્જર પાસેથી 880 રૂપિયા યુડીએફ નક્કી કરી દેવામાં આવી છે.


Google NewsGoogle News