કોલ્ડપ્લેના ચાહકો માટે ખુશખબર: કોન્સર્ટના બે દિવસ માટે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડાવાશે બે ખાસ ટ્રેન
Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે બે ખાસ ટ્રેન ચાલશે.
ટ્રેનનું ટાઈમ ટેબલ
ગુજરાત કોલ્ડપ્લે કોન્સર્ટ માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને 25મી જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26મી જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે, આ ટ્રેનો અમદાવાદથી બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
બીજી ટ્રેન અમદાવાદથી 27મી જાન્યુઆરીએ રાતે 12:50 વાગ્યે ઊપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેનો બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા સ્ટેશન પર પણ ઊભી રહેશે. નોંધનીય છે કે, આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે.
કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને DCPUની નોટિસ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ તે પહેલા આયોજકોને નોટિસ પાઠવાઈ હતી. કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) દ્વારા નોટિસ ફટકારી હતી. કોન્સર્ટ વખતે જાહેર મંચ પર બાળકોને ન બોલાવવા અંગે નોટિસમાં જણાવ્યું હતું. કોન્સર્ટ દરમિયાન 120 ડેસિબલથી વધુનો અવાજ ઉત્પન્ન થતો હોવાથી બાળકો માટે આટલો અવાજ ઘોંઘાટરૂપ સાબિત થતા તેમના કાન અને મન પર અસર પહોંચે છે. જેને ધ્યાનમાં રાખીને DCPUએ નોટિસમાં બાળકોને ઈયરપ્લગ વગર સ્ટેડિયમમાં પ્રવેશ ન આપવા જણાવ્યું.