Get The App

રીક્ષામાં દંપતિને આંતરી લૂંટારૂઓએ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા લૂંટી

આરટીઓ સર્કલ નજીક ચિમનભાઇ પટેલ બ્રીજ પાસેની ઘટના

લૂંટારૂઓ કાલુપુર રેલવે સ્ટેશનથી રીક્ષાનો પીછો કરતા હતાઃ સીસીટીવી ફુટેજના આધારે તેમજ અલગ અલગ ટીમ બનાવી પોલીસે તપાસ શરૂ કરી

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
રીક્ષામાં દંપતિને આંતરી લૂંટારૂઓએ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા લૂંટી 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરમા સાબરમતીમાં રહેતા એક વેપારી અને તેમના પત્ની  સાથે મુંબઇથી સોનાના દાગીના તૈયાર કરાવીેને મંગળવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશનથી રીક્ષામાં બેસીને ઘરે પરત જઇ રહ્યા હતા. ત્યારે આરટીઓ સર્કલ પાસે ચિમનભાઇ પટેલ બ્રીજ પાસે પહોંચ્યા ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકો અચાનક રીક્ષાને આંતરીને  વેપારીના પત્નીના હાથમાં રહેલા પર્સની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીેને સીસીટીવી ફુટેજ અને  ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ગેંગની વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી છે.સાબરમતીમાં આવેલા જવાહર ચોક સ્થિત આરાધના સોસાયટીમાં રહેતા રમેશભાઇ જૈનના સુરત  ખાતે રહેતા મોટાભાઇ ગૌતમચંદની પુત્રીના લગ્ન  આગામી જુન મહિનામાં હોવાથી તેને આપવા માટે દાગીના ખરીદવા હોવાથી તેમની પાસે રહેલા સોનાના ત્રણ બિસ્કીટ, સોનાની ચેઇન સહિતના દાગીના લઇને સુરત ગયા હતા. જ્યાંથી ગત ૬ એપ્રિલના રોજ મુંબઇ ગયા હતા. જ્યાં ઝવેરી બઝારમાં સોનાના  બે બિસ્કીટ આપીને કડુ, મગળ સુત્ર, સોનાની ચેઇન, અને વીંટી, તેમજ ઘડીયાળની ખરીદી કરી હતી.  ત્યારબાદ મંગળવારે રમેશભાઇ અને તેમના પત્ની પુષ્પાબેન મુંબઇથી અમદાવાદ ટ્રેનમાં બેસીને બુધવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા. જ્યાંથી બંને એક રીક્ષામાં બેસીને સાબરમતી પોતાના ઘરે જતા હતા ત્યારે સોનાના દાગીના, રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા ભરેલું પર્સ પુષ્પાબેન પાસે હતુ.  સવારે પાંચ વાગ્યાના સુમારે રીક્ષા  આરટીઓ સર્કલથી ચિમનભાઇ પટેલ બ્રીજ પર જતી હતી. ત્યારે એક્ટીવા સ્કૂટર પર આવેલા બે યુવકોએ રીક્ષાને આંતરીને રોકી હતી અને પાસે આવીને પુષ્પાબેનના હાથમાંથી સોનાના દાગીના મળીને ૧૩.૫૬ લાખની મત્તા ભરેલુ પર્સ લૂંટને સાબરમતી તરફ નાસી ગયા હતા.  જેથી તાત્કાલિક રમેશભાઇ જૈન અને તેમના પત્ની રીક્ષા લઇ રાણીપ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને  સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કે વાય વ્યાસે જણાવ્યું કે આ ઘટનાની જાણ થતા પોલીસ કંટેલમાં માહિતી આપીને સીસીટીવી તપાસવાની તેમજ અન્ય પોલીસ સ્ટેશનને સ્ટાફને જાણ કરવાની સાથે રાણીપ પોલીસ અને ડીસીપી ઝોન-૨ સ્ક્વોડની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. લૂંટારૂઓ કાલુપુર રેલવે સ્ટેશનથી રીક્ષાનો પીછો કરતા હોવાની સાથે રીક્ષા ચાલકની પણ આ મામલે પુછપરછ થશે.


Tags :