સુપ્રીમકોર્ટના બે ન્યાયમૂર્તિઓ સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલના હૃદયરોગી બાળકોને રૂબરૂ મળશે
અમદાવાદ,તા.16 નવેમ્બર 2022,બુધવાર
દિલ વિધાઉટ બીલના નામ્ જાણીતી શ્રી સત્ય સાઁઇ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટ છેલ્લા ૨૨ વર્ષોથી હૃદયરોગના બાળ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે ત્યારે તા.૧૮મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ તેના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઇ રહી છે તે પ્રસંગે તા.૧૯મીએ સુપ્રીમકોર્ટના બે ન્યાયમૂર્તિઓ જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ જે.બી.પારડીવાલા સરખેજ-ધોળકા હાઇવે પર કાસીન્દ્રા ખાતે સ્થિત આ હોસ્પિટલની વિશેષ મુલાકાત લેશે.
જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ પારડીવાલા બાળકોને શુભેચ્છા-આશીર્વાદ આપશે
સુપ્રીમકોર્ટના બંને ન્યાયમૂર્તિઓ શ્રી સત્ય સાઁઇ હાર્ટ હોસ્પિટલના હૃદયરોગના બાળ દર્દીઓને રૂબરૂ મળી તેમના સ્વાસ્થ્ય સંબંધી ખબરઅંતર પૂછશે અને તેઓને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા-આશીર્વાદ પાઠવશે. આ પ્રસંગે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અને બિયાસ વોટર ટ્રિબ્યુનલના ચેરમેન વિનીત સરન ખાસ વર્ચ્યુઅલી હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદયરોગની ચેરિટેબલ હોસ્પિટલ છે. જે બાળકોના હૃદયના ઓપરેશન કે જે ખાનગી હોસ્પિટલોમાં રૂ.ત્રણથી પાંચ લાખ સુધીનો ખર્ચો થતો હોય છે, તેવા મોંઘા ભાવના ઓપરેશન આ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. આ હોસ્પિટલે છેલ્લા ચાર વર્ષમાં ૩૨૦૦થી વધુ બાળ દર્દીઓની વિનામૂલ્યે હાર્ટ સર્જરી કરી તેઓને નવુ જીવન આપ્યું છે. શ્રી સત્ય સાઁઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા ૨૦ હજારથી પણ વધુ દર્દીઓના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. ૩૧૦ બેડ, ચાર ઓપરેશન થિએટર, ચાર આઇસીયુ-આઇસીસીયુ અને કેથ લેબ ધરાવતી શ્રી સત્ય સાઁઇ હાર્ટ હોસ્પિટલ, કાસીન્દ્રા સેવા ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણરૂપ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળ દર્દીઓના વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવે છે.