ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝડપાયા
Ahmedabad Drug Case : ઓરિસ્સાથી અમદાવાદના આશ્રમ રોડ પર સ્થિત એક હોટલમાં રહી ગ્રાઇન્ડર એપ્લિકેશનથી ગે સેક્સની પ્રવૃતિ કરતા બે ગે યુવકોને એમ.ડી ડ્રગ્સ સાથે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને ગે યુવકોને એમ.ડી ડ્રગ્સની આદત હતી અને તેમના એક ગ્રાહકે એમ.ડી ડ્રગ્સ આપ્યું અને તે વેંચીને નવા ગ્રાહકોને શોધીને સપ્લાય કરતા હતા. આ અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.
ઓરિસ્સાથી અમદાવાદ નિયમિત રીતે આવતા હતા : એમડી ડ્રગ્સ તેમના એક ગ્રાહકે પુરો પાડયો હોવાનું જાણવા મળ્યું
સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફને બાતમી મળી હતી કે આશ્રમ રોડ જીવાભાઇ ચેમ્બર્સમાં આવેલી ક્રિસ્ટલ હોટલમાં બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે ગ્રાહકો શોધે છે. જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ.જોષી અને તેમના સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં હોટલના 107 નંબરના રૂમમાં અશોક ઉર્ફે કાજલ બેહરા અને કાલેજ ઉર્ફે પાયલ શેખ નામના ગે યુવકો ઝડપીને તેમની પાસેથી 14 ગ્રામ જેટલો એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અશોક ઉર્ફે કાજલ અને કાલેજ ઉર્ફે પાયલ ઓરિસ્સાના ગંજામ જિલ્લા નજીક રહે છે. બંને ગે હોવાથી સેક્સ પ્રવૃતિ માટે અમદાવાદ નિયમિત રીતે આવતા હતા. જેમાં તે ગ્રાઇન્ડર ગે એપ્લિકેશનથી ગ્રાહકોને હોટલમાં બોલાવતા હતા. સાથે સાથે તેમને એમ.ડી ડ્રગ્સની આદત હોવાથી એક ગ્રાહકે ડ્રગ્સ આપ્યું હતું. જે પોતાના અંગત ઉપયોગ કરવાની સાથે ગ્રાઇન્ડર એપ્લિકેશનથી સંપર્કમાં આવતા ગ્રાહકોને એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આ અંગે એસઓજીએ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.