Get The App

અમદાવાદમાં PM આવાસ યોજનાના નામે કૌભાંડ!! 50000 રૂ. લઈ બનાવટી પઝેશન લેટર અપાયાની ફરિયાદો

Updated: Apr 6th, 2025


Google News
Google News
અમદાવાદમાં PM આવાસ યોજનાના નામે કૌભાંડ!! 50000 રૂ. લઈ બનાવટી પઝેશન લેટર અપાયાની ફરિયાદો 1 - image


PM Avas yojna Scam In Ahmedabad | અમદાવાદ શહેરના ચાંદલોડિયામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા મકાન પેટે માત્ર 50 હજાર રૂપિયા લઇને બનાવટી પઝેશન લેટર આપીને બે ગઠીયાઓએ અનેક લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનના અધિકારીઓએ આ અનુસંધાનમાં 21 જેટલા બનાવટી પઝેશન લેટર પણ જપ્ત કર્યા હતા.  આ મામલે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં મોટુ કૌભાંડ સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતભાઇ ઠાકોરે સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે મનપા દ્વારા ચાંદલોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1736 આવાસ પૈકી 1372 આવાસના પઝેશન  લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે 364 આવાસની ફાળવણી બાકી છે. 

ત્રણ દિવસ પહેલા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને માહિતી મળી હતી કે ઘાટલોડિયામાં આવેલી ગીરીરાજ સોસાયટી લોહાર કિશનલાલ ધનરાજને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર 17માં 103 નંબરનો ફ્લેટ આપવામાં આવ્યો હોવાનો બોગસ સહી વાળો પઝેશન લેટર ઇસ્યુ થયો છે. જેના આધારે તેણે મકાનની ચાવી મેળવેલી છે.

ત્યારબાદ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા 21 જેટલા અન્ય બોગસ પઝેશન લેટર મળી આવ્યા હતા. જે રજૂ કરીને ઘરની ચાવી લેવામાં આવી હતી અને કેટલાંક પરિવારો રહેવા માટે પણ આવી ગયા હતા. આ અંગે તમામની પુછપરછ કરતા જાણવા મળ્યુ  હતું કે વિપુલ અને સૈયદ નામના વ્યક્તિએ તેમની ઓળખ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારી તરીકે આપીને મકાન ફાળવવાની સત્તા હોવાનું કહીને તેમણે 50 હજાર લઇને છેતરપિંડી આચરી હતી.  સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે એન ભુકાણે જણાવ્યું કે  વિપુલ ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો અને કોઇ સસ્તામાં મકાન લેવાની લાલચમાં આવે ત્યારે તે સૈયદ સાથે મુલાકાત કરાવીને નાણાં લઇને બનાવટી પઝેશન લેટર આપતો હતો.  આ  કેસમાં મોટુ કૌભાંડ સામે આવવાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.


Tags :