એક દાયકામાં બે વખત કૌભાંડ બહાર આવ્યું, અમદાવાદમાં ગટરસફાઈ માટે ડુપ્લીકેટ પેમેન્ટ મુદ્દે ઝોનનો ઈજનેર વિભાગ નિરુત્તર
એકના એક કામદારોને જુદી જુદી જગ્યાએ હાજર દર્શાવીને તેમજ એક જ ઈન્સ્યોરન્સ પોલીસી રજૂ કરી પેમેન્ટ લેવામાં આવ્યા હતા
અમદાવાદ,મંગળવાર,21
જાન્યુ,2025
અમદાવાદમાં એક દાયકામાં બે વખત ગટર સફાઈની કામગીરી દરમિયાન
કોન્ટ્રાકટરને ડુપ્લીકેટ પેમેન્ટ કરવાનું કૌભાંડ મ્યુનિ.ના જ એક વિભાગ દ્વારા
કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યુ હતુ. અમુક બિલમાં એકના એક જ કામદારોને એક જ
દિવસે જુદી જુદી જગ્યાએ હાજર હોવાનું
દર્શાવી જુદી જુદી બંને જગ્યાના પેમેન્ટ પણ ચૂકવાઈ ગયા હતા.આઘાતજનક બાબત તો એ હતી
કે કામદારોની ઈન્સ્યોરન્સ પોલીસી પણ એકની એક જ રજૂ કરાઈ હતી. કુલ ૩૧ ફાઈલમાં
નાણાંકીય અનિયમિતતા હોવાનુ ઓડિટ દરમિયાન બહાર આવ્યુ હતુ. આ પૈકી હજી સુધી માત્ર ૪
ફાઈલના ડુપ્લીકેટ પેમેન્ટ માટે કોન્ટ્રાકટર પાસેથી રુપિયા ૧.૧૩ લાખની રકમ વસૂલાઈ
છે. હજી ૨૮ ફાઈલ અંગે ઝોનના ઈજનેર વિભાગ તરફથી ઓડિટ વિભાગને કોઈ જવાબ આપવામાં આવતો
નથી.
અમદાવાદના જોધપુર વોર્ડમાં જુદી જુદી જગ્યાએ મેઈન રોડ ઉપર
આવેલી ડ્રેનેજલાઈનના મેનહોલ તથા ઓપન નીંક બકેટ રીક્ષાથી સાફ કરવાની ૮ પૈકી ૪
ફાઈલનું વર્ષ-૨૦૧૨માં મ્યુનિ.ના જ એક વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ હતુ. જે
પૈકી ૪ ફાઈલોના ડુપ્લીકેટ પેમેન્ટ ચૂકવવામાં આવ્યા હોવાનું માલૂમ પડયુ હતુ. ૪
ફાઈલોની તપાસમાં કામગીરી જે જગ્યાએ તથા જે તારીખે કરવામાં આવી હોય તે જ તારીખ તથા
જગ્યા બતાવી અન્ય ચાર બિલો બનાવી પાર્ટીને ડુપ્લીકેટ પેમેન્ટ કરવામાં આવ્યુ
હોવાનું સ્પષ્ટ માલૂમ પડયુ હતુ.ચાર ફાઈલમાં કુલ રુપિયા ૧.૦૨ લાખના ૪ ડુપ્લીકેટ
પેમેન્ટ કરેલા હોવાનું જણાતા નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગને આ પ્રકારની ગંભીર
અનિયમિતતાઓનો નિકાલ કરવા વિભાગ તરફથી લેખિત જાણ કરવામાં આવી હતી. ઉપરાંત ત્રણ
વર્ષમાં ઝોનમાં કરવામાં આવેલા ડિસિલ્ટીંગના કામ અંગે ઝોનના ઈજનેર વિભાગના
અધિકારીને કામગીરીના સ્થળ,સમય
ઉપરાંત રકમ મંજૂરી મુજબ કરવામા આવી છે કે કેમ, એકની એક જ જગ્યાનું એક જ સમયના બિલોનું ચૂકવણું થયેલુ છે કે
નહીં તે ચકાસીને ફરીથી પેમેન્ટ થયુ ના હોય તો તે બાબતની સ્પષ્ટતા ઓડિટ વિભાગને
કરવા જાણ કરાઈ હતી.
નવા પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં જુન-૨૦૧૬થી
ઓકટોબર-૨૦૧૬ સુધીમાં કરવામાં આવેલી ડિસિલ્ટીંગ કામની પેમેન્ટની ફાઈલોનું ઓડિટ કરવામાં આવતા ડિસિલ્ટીંગની કામગીરીમાં
એકના એક જ કામદારોને એક જ સમયે જુદી જુદી જગ્યાએ દર્શાવી જુદી જુદી બંને જગ્યાના
પેમેન્ટ લેવામાં આવ્યા હતા. જે સમયે ફરી એક વખત કામદારોની ઈન્સ્યોરન્સ પોલીસી પણ
એકની એક જ રજૂ કરવામાં આવી હતી.કુલ રુપિયા ૧.૧૩ લાખથી વધુ રકમનું ડુપ્લીકેટ
પેમેન્ટ કરવામાં આવતા ઝોનના ઈજનેર વિભાગને નાણાંકીય અનિયમિતતાઓની સ્પષ્ટતા કરવા
ઓડિટ વિભાગ તરફથી જાણ કરવામાં આવી હોવા છતાં વર્ષ-૨૦૨૫માં પણ ઝોનના ઈજનેર વિભાગ
તરફથી ઓડિટ વિભાગને કોઈ જવાબ અપાયો નથી.
ડેપ્યુટી મ્યુનિ.કમિશનરે ૪ બિલમાં ૧.૧૩ લાખની રીકવરી કરાવી
હતી
વર્ષ-૨૦૧૪માં નવા પશ્ચિમ ઝોનના તત્કાલિન ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનરે જોધપુર વોર્ડમાં
ડ્રેનેજ મેનહોલના બકેટ પધ્ધતિથી ડિસિલ્ટીંગ
કરાવવાની કામગીરીમાં ૪ ફાઈલ કે જેમાં ડુપ્લીકેટ પેમેન્ટ કરવામા આવ્યુ હતુ
તે અનુસંધાનમાં ૮ ટકા મુજબ વ્યાજ ગણતરી કરીને રુપિયા ૧.૧૩ લાખની રકમ કોન્ટ્રાકટર
પાસેથી રીકવર કરી જમા કરાવી હતી.