ઢોર પાર્ટી પર હુમલો કરનારને જોખમી તત્વો ગણી પાસા કરો : ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ,તા.06 સપ્ટેમ્બર 2022,સોમવાર
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરની ત્રાસની સ્થિતિ યથાવત્ રહેતાં ગુજરાત હાઈકોર્ટે આજે ફરી એકવાર રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓને જોરદાર ફટકાર લગાવી હતી અને મહત્વના નિર્દેશો જારી કર્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી રજૂ કરાયેલા મહત્વના સોગંદનામામાં જણાવાયુ હતું કે, હવેથી ઢોર પાર્ટી પર હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ સીધી પાસા હેઠળ કાર્યવાહી કરાશે અને સાથે સાથે આઇપીસીની કલમ-૩૩૮,૩૩૨,૧૮૮ અને ૧૮૯ હેઠળ પણ કાર્યવાહી થશે. હાઇકોર્ટે આ સોગંદનામાને રેકર્ડ પર લઇ રાજયના પોલીસ વડાને બહુ મહત્વનો નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, રખડતા ઢોરના ત્રાસના નિવારણના ભાગરૂપે ઢોર પાર્ટી પર હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ પાસા સહિતની કાર્યવાહી કરવા સહિતના નિર્દેશો જારી કરો. આ માટે તમામ જિલ્લા પોલીસ વડા સહિતના સંબંધિત ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી કાર્યવાહી કરો.
રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે સરકારને પૂરતું ધ્યાન આપવા અને વિશેષ વોર રૂમ શરૂ કરવા હાઇકોર્ટનો નિર્દેશ
તા.૧૫મી સપ્ટેમ્બર સુધી સતત ૨૪ કલાક પેટ્રોલીંગ કરી ઢોર પકડવા અમ્યુકો સહિતના સત્તાધીશોને મહત્વનો નિર્દેશ
રખડતા ઢોરની સમસ્યા બહુ ગંભીર અને જટિલ હોઇ રાજય સરકારને પણ આ મામલે પૂરતુ ધ્યાન આપવા અને વિશેષ વોર રૂમ શરૂ કરવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. અમદાવાદ સહિત રાજયભરમાં રખડતા ઢોર પકડવા અને તેના ત્રાસ નિવારણ માટે સરકાર અને અમ્યુકો સહિતના સત્તાવાળાઓ દ્વારા પૂરતા પગલાં લેવાયા નથી તેવી ગંભીર આલોચના કરી હાઇકોર્ટે તા.૧૫મી સપ્ટેમ્બર સુધી રાજયભરમાં સતત ૨૪ કલાક પેટ્રોલીંગ કરી રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા અમ્યુકો સહિત તમામ મનપા અને નગરપાલિકા સત્તાવાળાઓને હાઇકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો હતો. રખડતા ઢોરોના ત્રાસ સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ અરજી અને અન્ય જાહેરહિતની રિટમાં આજે હાઇકોર્ટે રાજય સરકાર, અમ્યુકો સહિત તમામ મનપા અને નગરપાલિકાને આ મામલે એકશન ટેકન રિપોર્ટ પણ રજૂ કરવા હુકમ કર્યો હતો. વધુમાં હાઇકોર્ટે રાજય સરકાર, અમ્યુકો સહિતના સત્તાધીશોને લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એકશન પ્લાન રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. તો પોલીસ કમિશરને રખડતા ઢોરના ત્રાસ નિવારણ માટે ચોક્કસ એકશન પ્લાન મુદ્દે સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે સાથે સમગ્ર રાજયની સ્થિતિને લઇ વિગતવાર જવાબ રજૂ કરવા રાજય પોલીસ વડાને પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે આજે શહેર સહિત રાજયભરના માર્ગો પરથી રખડતા ઢોરોનો ત્રાસ કોઇપણ સંજોગોમાં દૂર કરવા અમ્યુકો સહતિના તમામ સત્તાવાળાઓને બહુ મહત્વનો નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટ એડવોકેેટ્સ એસોસીએશન તરફથી રખડતા ઢોર માલિકો વિરૂદ્ધ સબક સમાન પગલાં લેવા અને ઢોર પાર્ટી પર હુમલો કરનારા તત્વો વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.
હાઇકોર્ટ દ્વારા જારી મહત્વના નિર્દેશો
- રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે રાજય સરકાર પૂરતુ ધ્યાન આપે, આ સમગ્ર મામલે ગૃહમંત્રાલય એક વોર રૂમ શરૂ કરે
- જે લોકોએ હાઇકોર્ટના આદેશોની અવમાનના કરી છે, તેવા તમામ લોકો સામે સરકાર અને સત્તાધીશો આકરી કાર્યવાહી કરે
- તા.૧૫મી સપ્ટેમ્બર સુધી અમ્યુકોના સીએનસીડી ડિપાર્ટમેન્ટ સહિત તમામ મનપા અને નગરપાલિકા સત્તાધીશોને સતત ૨૪ કલાક માર્ગો પર પેટ્રોલીંગ કરી ઢોર પકડવાની કામગીરી કરવા ફરમાન
- રખડતા ઢોરના ત્રાસના કારણે થતા માર્ગ અકસ્માત અને નોંધાતા મૃત્યુ-ઇજા મુદ્દે સોગંદનામું રજૂ કરવા સરકારને નિર્દેશ
- રખડતા ઢોરના ત્રાસ મુદ્દે અમ્યુકો સહિત રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ
- રાજય સરકારને લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એકશન ટેકન રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રખડતા ઢોરના ત્રાસની સમસ્યાના નિવારણ માટે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એકશન ટેકન રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ
- ઢોર પાર્ટી અને પોલીસ પર હુમલા કરે છે તેવા તત્વોને જોખમી તત્વો ગણી તેઓની વિરૂધ્ધ પાસા સહિતની કડક હાથે કાર્યવાહી કરો
- રખડતા ઢોરની રાજયની સ્થિતિને લઇને વિગતવાર જવાબ રજૂ કરવા રાજયના પોલીસ વડાને નિર્દેશ
- એ માટે રાજયના પોલીસ વડાએ તમામ એસપી અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવી
- રખડતા ઢોરના ત્રાસ નિવારણ મામલે પોલીસ તંત્ર તરફથી ચોક્કસ એકશન પ્લાન સાથે સોગંદનામું રજૂ કરવા શહેર પોલીસ કમિશરને નિર્દેશ
- રખડતા ઢોરોની સમસ્યા એ કાયમનો પ્રશ્ન છે અને તેથી સતત અને અવિરત મોનીટરીંગ અને કામગીરી જરૂરી, કોઇપણ ભોગે આ સમસ્યાનું નિવારણ લાવો
અમ્યુકો દ્વારા ૮૫ પાનાનું મહત્વનું સોંગદનામું
- રખડતા ઢોરોના ત્રાસ નિવારણ સહિતના મુદ્દે અમ્યુકો દ્વારા એકશન પ્લાન કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો
- શહેરમાં ઘાસચારા સાથે પ્રવેશતા વાહનોનું મ્યુનિ.લિમિટમાં પ્રવેશ સ્થળ ચેકીંગ કરી આવા વાહનો ડીટેઇન કરવા
- ઘાસ-વેચાણના સ્થળો પોલીસ સ્ટેશન વાઇઝ નક્કી કરી પોલીસ સાથે સંકલન કરી આવા સ્પોટ નાબુદ કરાવવા
- શહેરમાં આવેલ ઘાસ ચારાના સંગ્રહ સ્થળો / ગોડાઉનો પોલીસ સાથે સંકલન કરી સીલ કરવા
- ઘાસ વેચાણની લારીના દબાણો હટાવવી, ધાસ-ચારો જપ્ત કરવો, દંડ / ચાર્જની વસુલાત કરવી, ઘાસ વેચાણ ક શખ્સો સામે એફઆઇઆર સહિતની કાયદાકીય કાર્યવાહી કરવી
- શહેરમાં ફુટપાથ, રોડ, સ્ટ્રીટલાઇટ, બાગ-બગીચા, ખુલ્લા મેદાનો વિગેરે સ્થળોએ પશુ બાંધવાની બેસાડવાની પ્રવૃતિ બંધ કરાવવી
- ઘાસ વેચાણના સ્થળો,પશુ રાખવાના વાડા સ્થળો,પશુઓ ઉભા રહેવાના સ્થળો, ખુલ્લામાં કચરો પડતા સ્થળો સહિતના સ્થળોની યાદી બનાવવી અને તેને અટકાવવા અને દૂર કરવા
- ખુલ્લા સ્થળો કે જગ્યા, ટ્રાફિક આઇલેન્ડ, સર્કલ, ફુટપાથ, રોડ વિગેરે જાહેર સ્થળોએ ખુલ્લામાં દાણા નાંખવાના સ્થળો નાબુદ કરવા
- નાગરિકો દ્વારા ક્ચરો નાંખવાની પ્રવૃતિથી શહેરમાંથી રખડતા પશુઓના ત્રાસ અટકાવવાની તથા નિયમનની કાર્યવાહી કરાવવી
- જાહેર સ્થળો, પ્લોટ(ખુલ્લા મેદાનો-જગ્યા), બજારો વિગેરે સ્થળોએ મોટા પ્રમાણમાં પશુઓ ઉભા રહેતા હોય તેની યાદી બનાવવી આવા સ્પોટ નાબુદ કરવા કાર્યવાહી કરાવવી
- પશુઓને ઘાસચારો, કચરો, દાણાં, એઠવાડ જેવા ખાદ્યપદાર્થો ટ્રાફિક આઇલેન્ડ, સર્કલ, ફુટપાથ જાહેરમાં રોડ-રસ્તા પર વિગેરે સ્થળોએ મળતા હોવાથી ગાય, કુતરા વિગેરે પશુઓ રસ્તા પર જાહેરમાં આવવા પ્રેરાય છે. જે અટકાવવા આવા સ્થળો બંધ કરાવવા, ખુલ્લામાં પડતા કચરાના સ્પોટ નાબુદ કરવા
- અમ્યુકો ટીમો દ્વારા ધાસચારા વેચાણ બદલ નોટિસોની બજાવણી, વહીવટી ચાર્જની વસુલાવી, ઘાસચારાની લારી ગલ્લા, વાહનો, કેબીન ડીટેઇન કરવા, ઘાસના ગોડાઉનો સીલ કરવા,
- શહેરના વિવિધ ઝોનમાં ૩૬૦ જેટલા સ્થળોએ રખડતા ઢોરોના ત્રાસ હોવાનું સામે આવ્યું છે
- જયારે શહેરમાં એવા ૩૬૯ સ્થળો એવા માલૂમ પડયા છે કે જયાં ઘાસચારાનું વેચાણ થતુ હોય
- આ તમામ સ્થળોએ અમ્યુકો દ્વારા પોલીસની મદદથી કાર્યવાહી કરવામાં આવી છે
- શહેરમાં વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ રખડતા ઢોરના ત્રાસ નિવારણની કામગીરી શરૂ કરાઇ છે
- અમ્યુકો દ્વારા તમામ ડેટાના આધારે શોર્ટ ટર્મ, મીડ ટર્મ અને લોન્ગ ટર્મ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે કે જેથી આ સમસ્યાનું નિવારણ થઇ શકે
પોલીસ કમિશનરનું ૭૦ પાનાનું મહત્વનું સોંગદનામું
- ઢોર પાર્ટી કે પોલીસ કર્મચારી પર હુમલો કરનારા તત્વોને પાસા કાયદાની કલમ-૨(સી) હેઠળ જોખમી તત્વો ગણી પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટીઝ એકટ(પાસા કાયદા) હેઠલ જરૂરી પગલાં લેવા
- રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે કામગીરી કરવા જતી ઢોર પાર્ટી પર કે પોલીસ કર્મચારી પર હુમલો કરનાર તત્વો વિરૂધ્ધ આઈપીસીની કલમ-૩૩૨,૩૩૮,૧૮૮ અને ૧૮૯ હેઠળ કાર્યવાહી કરવા તમામ પોલીસ સ્ટેશનોને નિર્દેશો
- જાહેરમા ઘાસ વેચનારા તત્વો સામે આકરી કાર્યવાહી કરવા પણ તમામ પોલીસ સ્ટેશનોને કડક તાકીદ કરવામાં આવી છે
- જાહેરમાં ફુટપાથ પર, રસ્તાની બાજુમાં, શેરી-મહોલ્લાના કોર્નર પર કે અન્ય સ્થળોએ ઘાસ વેચતા તત્વો વિરૂધ્ધ સતત ડ્રાઇવ ચલાવવા પણ નિર્દેશ જારી કરાયા છે અને તે મુજબ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે
- ઘાસ વેચતા તત્વો સહિતના લોકો વિરૂધ્ધ કુલ ૧૨૦ એફઆઇઆર દાખલ કરાઇ છે
- રખડતા ઢોરોના માલિકો સામે છેલ્લા બાર દિવસમાં આઠ એફઆઇઆર દાખલ
- રખડતા ઢોર પકડવા ગયેલી પાર્ટીને પૂરતી મદદ અને સુરક્ષા પૂરી પાડવા એક પીએસઆઇ સહિત ૯ પોલીસ અધિકારીની ટીમ ઝોન વાઇઝ રચવામાં આવી છે
- અમ્યુકો સત્તાધીશો પોલીસની જયારે અને જે પ્રકારે મદદ માંગે તે માટે પોલીસ તંત્ર ઉપલબ્ધ છે, આ માટે વધારાનો સ્ટાફ પણ ફાળવાશે
- અમદાવાદ શહેરભરમાં જાહેર માર્ગ, ફુટપાથ, જાહેરસ્થળો પર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસચારાનંું વેચાણ કરવા પર અને જાહેરમાં પશુઓને ઘાસચારો નાંખવા તેમ જ રાખવા અને તે સમગ્ર બાબતે પર પ્રતિબંધ ફરમાવાયો છે
- તેથી જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા કે રાખતા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા થાણાં ઇન્ચાર્જે જાતે ફિલ્ડમાં હાજર રહી કાર્યવાહી કરવાની રહે
- આ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી થાય તે માટે એસીપીએ ફિલ્ડમાં હાજર રહી કામગીરી કરાવવાની રહેશે
- અને ડીસીપીએ આ સમગ્ર કાર્યવાહીનું નીરીક્ષણ કરવાનું રહેશે
- આ કામગીરીમાં સહેજપણ નિષ્કાળજી કે અમલવારી કરવામાં નિષ્ફળતા જણાશે તો થાણાં ઇન્ચાર્જની સીધી જવાબદારી ગણી ગંભીર પ્રકારના શિક્ષાત્મક પગલા લેવાશે
- ઘાસ વેચતા તત્વો સામે અને ઢોર પાર્ટી પર હુમલો કરનાર તત્વો કે રખડતા ઢોર માલિકો વિરૂધ્ધ અવિરતપણે કાર્યવાહી કરવાની રહેશે