અમદાવાદના ખોખરામાં કિન્નરોએ સોસાયટીમાં મચાવ્યો આતંક, જાનથી મારી નાખવાની ધમકી આપી
Transgender Terror in Ahmedabad : અમદાવાદ જેવા મોટા શહેરોમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. અવાર-નવાર કિન્નરોની દાદાગીરીની ઘટનાઓ જોવા મળે છે. જેને રોકવી જાણે પોલીસ માટે એક પડકારરૂપ સમાન બન્યું છે. કોઈ શુભ પ્રસંગે કે તહેવારના સમયે કિન્નરોનું ટોળું પૈસા ઉઘરાવવા માટે પહોંચી જતું હોય છે અને આશીર્વાદ આપી બક્ષિસરૂપે પૈસા લેતા હોય છે. પરંતુ ઘણીવાર કિન્નરોની દાદાગીરીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બુધવારે અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવી છે. જે શહેરીજનો માટે ચેવતણીરૂપ અને કિન્નર સમાજ માટે કલંકરૂપ ઘટના છે. આ ચોંકવનારી ઘટના વિશે તમે જાણશો તો કિન્નરને જોઇને જ દૂર ભાગશો.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું, અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા ઇચ્છા અનુસાર આપેલી બક્ષિસનો અસ્વીકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
કિન્નરોની દાદાગીરી અને જાનથી મારી નાખવાની ધમકીથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આખરે કિન્નરોની વારંવારની દાદાગીરીથી કંટાળી સોસાયટીના રહીશોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા માટે પહોંચી ગયું હતું. સ્થાનિક રહીશોનું કહેવું છે કે તહેવારોમાં કિન્નરોને બક્ષીશ આપીએ છીએ તેનો અર્થ એ નથી કે તે લોકો મનફાવે એવું ઉદ્ધતાઇભર્યું વર્તન અને દાદાગીરી કરે. આ વિસ્તારોમાં અનેકવાર કિન્નરોની દાદાગીરીના બનાવો બની ચૂક્યા છે. જેથી લોકોની માગ છે કે પોલીસ તેમની સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે. જેથી આ પ્રકારની ઘટના બીજા કોઈ સાથે ન બને અને ભવિષ્યમાં અન્ય લોકો હેરાન ન થાય.