સુરતમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા વખતે દોડતાં દોડતાં ઢળી પડ્યો યુવક, હાર્ટ એટેકથી મોત
Lokrakshak Recruitment : હાલમાં રાજ્યમાં પોલીસ ભરતીની માટે શારીરિક પરીક્ષા ચાલી રહી છે, ત્યારે સુરતમાં પોલીસ ભરતી દરમિયાન કરૂણાજનક ઘટના બની છે. 5 કિલોમીટરની દોડ લગાવી રહેલો યુવકને અચાનક હાર્ટ એટેક આવતાં ઢળી પડતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. યુવક વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર રસીકભાઈ ગામીત (ઉં.વ.36) PSIની ભરતી પરીક્ષામાં હાજર રહ્યા થયા હતા. આજે (બુધવારે) સવારે 4:45 વાગે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવક બેભાન થઇને ઢળી પડતાં ફરજ પરના ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ હાલત ગંભીર જણાતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.
સંજયકુમાર ગામી મૂળ તાપીના ચીખલવાવ ગામનો વતની છે. આ ઘટનાની જાણ પરિવારજનો કરવામાં આવી છે. પોલીસ ભરતીની પ્રક્રિયા આ કરૂણ બનાવ સર્જાતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.