અમદાવાદમાં કરુણાંતિકા: પિતાના હાથે જ પુત્રીનો જીવ ગયો, રિવર્સ લેતા સમયે કાર નીચે કચડાઈ ગઈ બે વર્ષની માસૂમ
Ahmedabad: અમદાવાદ શહેરના આંબલી ગામમાં આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ એસયુવી કારને રિવર્સ લેતા સમયે બેદરકારી દાખવતા તેની બે વર્ષની માસૂમ બાળકી કાર નીચે કચડાઇ હતી જેથી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે એમ ડીવીઝન ટ્રાફિક પોલીસે મૃતક બાળકીના પિતા વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ કરુણ બનાવની વિગતો એવી છે કે આંબલી ગામમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં 38 વર્ષીય પરષોત્તમભાઇ પટેલ તેના પત્ની ગીતાબેન અને એક વર્ષ અગીયાર મહિનાની દીકરી ક્રીવી સાથે રહે છે. તેમણે થોડા સમય પહેલા એક એસયુવી કાર ખરીદી હતી. ગત 1 ઓગસ્ટના રોજ રાતના સાડા આઠ વાગ્યા આસપાસ ક્રીવીને લઇને તેની માતા ગીતાબેન ગ્રીન પાર્ક સોસાયટીમાં આવેલા બંગલા નંબર 22 પાસે તેમના એક સંબધી સાથે વાત કરતા હતા અને ક્રીવી નજીકમાં રમી રહી હતી. તે સમયે પરષોત્તમભાઇ તેમની કાર રિવર્સ લઇને બંગલાની બહાર કાઢી રહ્યા હતા. ત્યારે કારનું પાછળનું ટાયર રમી રહેલી બાળકીના માથા અને પગના ભાગે ફરી વળ્યું હતું. જેના કારણે બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આંબલી ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જે અંગે એમ ડીવીઝન પોલીસે મૃતક બાળકીના પિતા પરષોત્તમભાઇ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.