Get The App

મકરબા અંડરબ્રિજમાં ટ્રાફિક સમસ્યા બની માથાનો દુ:ખાવો, રોડનું અણઘડ પ્લાનિંગ જવાબદાર

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
મકરબા અંડરબ્રિજમાં ટ્રાફિક સમસ્યા બની માથાનો દુ:ખાવો, રોડનું અણઘડ પ્લાનિંગ જવાબદાર 1 - image


Traffic problems in Makarba Under Bridge : સ્માર્ટસિટીમાં AI ટેક્નૉલૉજીના બણગાં ફૂંકતું અમદાવાદનું તંત્ર હજુ ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ અપાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ટ્રાફિક પોલીસનો અભાવ અને રસ્તા તથા અંડરબ્રિજના અણઘડ આયોજનના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. મકરબા અંડરબ્રિજમાં પણ ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો તથા નોકરિયાતો માટે માથાનો દુ:ખાવો બની છે. 

ગાંધીગ્રામથી બોટાદ તરફની રેલવે લાઇનમાં વિવિધ ફાટક દૂર કરીને અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જોકે અંડરબ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા તો ઠેરની ઠેર જ રહી છે. કોર્પોરેટ રોડને સરખેજ લેકથી જોડતાં મકરબાના LC-26 અંડરબ્રિજમાં ટ્રાફિકના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માંડ 150 મીટરના રસ્તામાં ભારે ટ્રાફિકના કારણે સ્થાનિકોની સાથે સાથે નોકરિયાતો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. 

મકરબા અંડરબ્રિજમાં ટ્રાફિક સમસ્યા બની માથાનો દુ:ખાવો, રોડનું અણઘડ પ્લાનિંગ જવાબદાર 2 - image
યુ-ટર્ન પર જ મસમોટી દીવાલ


આ અંડરબ્રિજમાં યુ-ટર્ન માટે રસ્તા પર કોઈ ડિઝાઇન કરવામાં આવી નથી, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે. આટલું જ નહીં યુ-ટર્નના રસ્તા પર જ દીવાલ બનાવવામાં આવી છે, જેના કારણે સામસામે બે મોટા વાહનો પસાર થઈ શકે તેટલી જગ્યા પણ રહેતી નથી. અંડરબ્રિજમાં કટારિયા ટાવર રોડ તરફ જવા માંગતા વાહનચાલકો જો માંડ માંડ યુટર્ન લઈ પણ લે તો સામે મોટી દીવાલ, રોડ પરના ખાડા પડકારરૂપ બની રહે છે. 

કોર્પોરેટ રોડથી અંદરની તરફ જતાં તમામ રસ્તા પર આ જ પ્રકારની ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો દરરોજ પીડાઈ રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ કે TRB જવાનો પણ હાજર ન હોવાથી ચક્કાજામની પરિસ્થિતિ બાદ વાહનચાલકો અથવા સ્થાનિકોએ જાતે જ ટ્રાફિક પોલીસની જવાબદારી નિભાવવાનો વારો આવે છે. 


Google NewsGoogle News