ઊંઝા APMCના વેપારીઓએ પેઢીઓ બંધ રાખી, શોક જાહેર કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી
વડનગરમાં પણ તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે
અમદાવાદ, 30 ડિસેમ્બર 2022, શુક્રવાર
વડાપ્રધાન મોદીની માતા હીરાબાના નિધનને પગલે સમગ્ર દેશના દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તીઓેએ શોક વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર હીરાબાના નીધનને લઈને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તેમના વતન વડનગરમાં પણ લોકો શોકાતુર જોવા મળ્યાં છે. જ્યારે એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓએ આજે કામકાજ બંધ રાખીને શોક પાળ્યો છે.
ઊંઝા યાર્ડની તમામ પેઢીઓ બંધ રહેવા પામી
ઉત્તર ગુજરાતના ઊંઝાના વેપારીઓએ માર્કેટ યાર્ડમાં આજે કામકાજ બંધ રાખ્યું છે. માર્કેટમાં શોક જાહેર કરતાં યાર્ડની તમામ પેઢીઓ બંધ રહેવા પામી છે. તમામ વેપારીઓ, ખેડૂતો અને યાર્ડ દ્વારા વડાપ્રધાનના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. બીજી બાજુ અંબાજી મંદિરમાં પણ હીરાબાના નીધનને પગલે શાંતિ પાઠ કરવામાં આવ્યા હતાં.
વડનગરમાં પણ વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો
PM મોદીના વતન વડનગરમાં પણ વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. વડનગરના વેપારી એસોસિએશને સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાજલી આપી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છે. વેપારીઓએ આજે સવારે જ જાહેરાત કરી હતી કે, વડાપ્રધાનના માતૃશ્રીનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે. નગરના સર્વે નાગરીકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે.