Get The App

અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં તકલીફ

Updated: Apr 4th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં તકલીફ 1 - image


Toxic air East Ahmedabad : પૂર્વ અમદાવાદમાં રામોલ-હાથીજણથી નારોલ અને પીરાણા સુધી હવા તથા પાણીનું પ્રદૂષણ બેરોકટોક વધી રહ્યું છે. જેની સામે કોઈ પગલાં નહીં લેવાતા હવે અમદાવાદના હૃદય સમાન મણિનગર પૂર્વમાં પણ દરરોજ મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં ઝેરી વાયુ પ્રસરી રહ્યો હોવાની ફરિયાદ લોકોમાંથી બહાર આવી છે. ઘણી વખત આ પ્રદૂષણ એટલું વધારે તીવ્ર હોય છે કે, લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

આસપાસના ઔદ્યોગિક એકમોમાં નિયમોના ભંગ અંગે પગલાં લેવામાં જીપીસીબી, મ્યુનિ. બેદરકાર

મણિનગર પૂર્વમાં ટ્રાફિક અને દબાણોની સાથે લોકો માટે પ્રાણ પ્રશ્ન બનેલી આ મુશ્કેલી અંગે બહાર આવતી ફરિયાદો અનુસાર મણિનગરની આસપાસમાં આવેલા દાણીલીમડા, બહેરામપુરા, ચંડોળા તળાવ વગેરે વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે. જ્યાં નિયમોનો ભંગ કરીને કેમિકલ સહિતની વસ્તુઓ બાળવામાં આવે છે. દરરોજ રાત્રિના સમયે તથા વહેલી સવારે ઝેરી ધુમાડો વાતાવરણમાં છોડવામાં આવે છે. જે મણિનગર સુધી પહોંચે છે.

આ પણ વાંચો: અહો આશ્ચર્યમ.... આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ

ધુમાડા અને ઝેરી વાયુના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફથી માંડીને આરોગ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાત્રે સૂતી વખતે લોકો પોતાના ઘરના બારી-દરવાજા ખુલ્લા રાખી શકતા નથી. કારખાનાઓમાં નિયમિત તપાસ કરીને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે. પરંતુ જીપીસીબી દ્વારા ક્યારેય આવી તપાસ કરાઈ હોય તેવું લોકોના ધ્યાનમાં આવ્યું નથી. 

આ ઉપરાંત શહેરની હદમાં રહેણાક વિસ્તારો વચ્ચે ગેરકાયદેસર રીતે ચાલતા કમર્શિયલ એકમો બાબતે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય સહિતના જવાબદાર વિભાગો પણ આંખ આડા કાન કરી રહ્યા છે. અહીં પ્રદૂષણનું સ્તર વધારે જોખમી બને તે પહેલાં બંને જવાબદાર તંત્ર દ્વારા સત્વરે કડક પગલાં લેવાય તેવી માગણી લોકોએ કરી છે.

Tags :