દાંતામાં આઠ ઈંચ, પંચમહાલમાં બે જ કલાકમાં અઢી ઈંચ વરસાદ: જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં થઈ મેઘમહેર
Gujarat Rain Update: રાજ્યાનાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે ઘણાં બધાં વિસ્તારોમાં મોટી માત્રમાં વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે. રાજ્યના ઉત્તર ભાગમાં મેધરાજા મહેબાન છે ત્યારે બનાસકાંઠાના કેટલાંક વિસ્તારોમાં વરસાદે ધબળાટી બોલાવી છે. અગાઉ 2 તારીખે બનાસકાંઠાના લાખણીમાં દિવસભરમાં 10 ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો. તેવામાં આજે(4 જુલાઈ) બનાસકાંઠાના દાંતા તાલુકામાં આશરે 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
રાજ્યના પાટનગરમાં આવેલા સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આંકડા પ્રમાણે, સવારના 2 કલાકની અંદરમાં રાજ્યના 113 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 17 જેટલા તાલુકમાં 1 ઈંચ અને 5 તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 4 કલાકની અંદરમાં જ 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, નર્મદાના તિલકવાડ અને બનાસકાંઠાના વડગામમાં 2.5 ઈંચ, પાલનપુર અને તાપીના કુકરમુંડામાં પોણા 2 ઈંચ, સુરતના ઉમરપાડા અને નર્મદાના નાંદોદમાં દોઢ ઈંચ, પંચમહાલના હાલોલ, ભરુચના ઝઘડિયા અને મહેસાણાના સતલાસણામાં સવા ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા નોંધાયા હતા.
રાજ્યના 20 જેટલા તાલુકામાં સાંજે 6થી 8 વાગ્યના સમયગાળામાં વરસાદ પડતાં પંચમહાલના વિસ્તારોમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ખેડાના કઠલાલ અને ગલતેશ્વરમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો.