સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 42 તાલુકામાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહી
Rain In Gujarat : ચોમાસાની વિદાય સમયે મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી છે, ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 23 ઑક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે.
42 તાલુકામાં ભારેથી હળવો વરસાદ વરસ્યો
આજે શનિવારે (19 ઑક્ટોબરે) 42 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના મેંદરડામાં 3.54 ઇંચ, માળિયા હાટિનામાં 2.76 ઇંચ અને કેસોદમાં 2.72 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.17 ઇંચ, વલસાડના કપરાડામાં 1.81 ઇંચ, સુરતના પલાસણમાં 1.57 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.50 ઇંચ, જામનગરના લાલપુરમાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આ સિવાયના 34 તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.
તાપીમાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતો ચિંતામાં
તાપીના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ઉકળાટ બાદ પવન સાથે વરસાદ ખાબક્યો. જેમાં વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા.
સુરતના આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ
મોડી સાંજે સુરતમાં વરસાદ વરસ્યો. જેમાં શહેરના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિત માંડવી, ઓલપાડ, માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ અને બારડોલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે તરસાડીનગર, કોસંબાના બજાર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી છે. જ્યારે માણેકપુર, અસ્તાન, ધામરોડ ગામો સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો.
આ પણ વાંચો : અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, આવતી કાલે આ જિલ્લામાં જાહેર કરાયું યલો ઍલર્ટ
જ્યારે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી પડી.
આવતી કાલની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે (20 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
21 ઑક્ટોબરની આગાહી
રાજ્યમાં 21 ઑક્ટોબરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : અમરેલીના આંબરડીમાં પડી મોતની વીજળી, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મૃત્યું
22-23 ઑકટોબરની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22-23 ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.