Get The App

અમદાવાદના ઠક્કરબાપાનગરમાં 40 વર્ષથી ભાજપનું શાસન છતાં વિકાસ માર્ગ ભટક્યો

Updated: Feb 10th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદના ઠક્કરબાપાનગરમાં 40 વર્ષથી ભાજપનું શાસન છતાં વિકાસ માર્ગ ભટક્યો 1 - image


BJP in Thakkarbapanagar Ahmedabad: અમદાવાદની ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક અને મ્યુનિ.ના ઠક્કરબાપાનગર વોર્ડમાં પણ ચારેક દાયકાથી ભાજપના નેતાઓ સત્તામાં હોવા છતાં વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, મ્યુનિ. શાળા, બગીચા, ઓવરબ્રિજ, હોસ્પિટલ જેવી સુવિધાઓના ઠેકાણાં નહીં હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જેથી વિધાનસભા ક્ષેત્રમાં આવતા અને એક સમયે પૂર્વના અગત્યના ગણાતા ઈન્ડિયા કોલોની અને ઠક્કરનગર વિસ્તારોની આજે દશા બેસી ગઈ છે, અને લોકોના પ્રશ્નો વણઉકેલ્યા રહી ગયા છે. 

મોડલ રોડના બણગાં  ફૂંકી મ્યુનિ. કોર્પોરેશન તંત્ર પાણીમાં બેસી ગયું 

અમદાવાદમાં કરોડોના ખર્ચે દર વર્ષે નવા રસ્તા બનાવાતા તેમજ જૂનાનું સમારકામ કરાતું હોવાનો તંત્ર દ્વારા દાવો કરાય છે. તેમ છતાં મોટા ભાગના માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે. પૂર્વના ઠક્કરનગર વિધાન સભા બેઠક અને મ્યુનિ.માં પણ ચારેક દાયકાથી સત્તાપક્ષનો દબદબો હોવા છતાં  પ્રજા માટે પ્રાથમિક સુવિધાના કામો કરવામાં કોઈએ ખાસ રસ દાખવ્યો નથી.

અનિલ સ્ટાર્ચ મિલ રોડથી સુહાના હોટેલ સુધી મોડલ રોડ બનાવાના બણગાં ફૂંકી મ્યુનિ. પાણીમાં બેસી ગયું છે. તેમજ ઠક્કરનગર અપ્રોચથી ખારીકટ કેનાલ, બાપુનગર ચાર રસ્તાથી લીલાનગર જંકશન, અશોક મિલનો નહેરિયા વાળા રોડની દુર્દશા થઈ છે. 

સામાન્ય વરસાદમાં સોસાયટીઓમાં પાણી ઘુસીજાય છે. વિસ્તારમાં સારા બગીચા, મ્યુનિ. હોસ્પિટલ પૂરતા પ્રમાણમાં નથી. વીસેક વર્ષથી મ્યુનિ. શાળા પણ બનાવાઈ નથી. ઉપરાંત ઠેર-ઠેર દબાણો ખડકાઈ ગયા છે, ને ટીપી સ્કીમની અમલવારીના ફાંફા છે.

વિધાનસભા ક્ષેત્રમાં પુરવઠાની ઓફિસ સુદ્ધાં ન હોય લોકોને રેશન કાર્ડની કામગીરી માટે અન્ય વિસ્તારના ધક્કા ખાવા પડે છે. એક સમયે પૂર્વના મહત્વના ગણાતા વિસ્તારોમાં વધતી વસતી પ્રમાણે માળખાકીય સુવિધાઓ નહીં અપાતા લાખો લોકો વિકાસના નામે છેતરાયા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે.

Tags :