Get The App

અમદાવાદ મ્યુનિ.માં ટોઈલેટ સફાઈ કૌભાંડ, મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૫૭ લાખથી પણ વધુ રકમ ચૂકવાઈ

૧૧૫ જેટલા પબ્લિક ટોઈલેટની સફાઈ પાછળ માતબર રકમનો ખર્ચ રીકવર કરવા મ્યુ.કમિશનર સમક્ષ માંગણી

Updated: Apr 1st, 2025


Google News
Google News
અમદાવાદ મ્યુનિ.માં ટોઈલેટ સફાઈ કૌભાંડ, મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૫૭ લાખથી  પણ વધુ રકમ ચૂકવાઈ 1 - image


અમદાવાદ,સોમવાર,31 માર્ચ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોઈલેટ સફાઈ કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો જમાલપુર વોર્ડના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.મધ્યઝોનના ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ટોઈલેટ સફાઈ પાછળ રુપિયા ૫૭.૨૪ લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરાયો છે.આ રકમને રીકવર કરવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માંગણી કરાઈ છે.જાહેર શૌચાલયોમાં આ પ્રકારના કામ થતાં જોયા નહીં હોવાથી આ મામલે વિજિલન્સ તપાસ કરાવવા પણ રજૂઆત કરાઈ છે.

અમદાવાદમાં એક તરફ પબ્લિક ટોઈલેટ ઓછા થઈ રહયા છે.બીજી તરફ આ ટોઈલેટને સારા અને સ્વચ્છ રાખવા પ્રયાસ થઈ રહયા છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતના કારણે પ્રજાના નાણાં વેડફાઈ રહયા હોવાનો જમાલપુરના કોર્પોરેટર રફીક શેખે આક્ષેપ કર્યો છે.જમાલપુર વોર્ડના આ કોર્પોરેટરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહીતી મુજબ,મધ્યઝોનમાં આવેલા  વોર્ડોમાં ચાર વર્ષમાં પબ્લિક ટોઈલેટની સફાઈ પાછળ રુપિયા ૨૧૬ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.ગત નાણાંકીય વર્ષમાં પણ મધ્યઝોનમાં રુપિયા ૬૮.૧૮ કરોડની રકમ પબ્લિક ટોઈલેટની સફાઈ પાછળ ચૂકવવામાં આવી હતી.માત્ર ૨૧૮ પબ્લિક ટોઈલેટ પાછળ  વર્ષે ૩૧ હજાર કરતા પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવી રહયો છે.મધ્યઝોનના ત્રણ વોર્ડમાં કુલ ૧૧૫ પબ્લિક ટોઈલેટ આવેલાં છે.આ ત્રણ વોર્ડમાં એક વર્ષમાં ૧૪૩૧ વખત કામગીરી કરાવાઈ હોવાનું બતાવીને રુપિયા ૫૭.૨૪ લાખ જેટલી રકમ ચૂકવાઈ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યુસન્સ ટેન્કર દ્વારા નિયમિત પબ્લિક ટોઈલેટની સફાઈ કરાતી નથી. આ પ્રકારની ફરિયાદોની વચ્ચે બે વખત એજન્સીઓને રુપિયા ૫૦૦૦ અને રુપિયા ૧૦૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.આમ છતાં પબ્લિક ટોઈલેટની સફાઈ કામગીરી સાથે સંકળાયેલી એજન્સીઓને આટલી મોટી રકમ તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે.

ત્રણ વોર્ડમાં એક વર્ષમાં  પબ્લિક ટોઈલેટ પાછળ કેટલી રકમ ચૂકવાઈ

વોર્ડ    કુલટોઈલેટ     કેટલાં ટોઈલેટના ચૂકવાયા  રકમ ચૂકવાઈ(લાખમાં)

શાહપુર         ૪૪             ૧૧૫           ૪.૬૦

દરિયાપુર      ૫૧             ૪૬૬           ૧૮.૬૪

જમાલપુર      ૨૦             ૮૫૦           ૩૪.૦૦         

Tags :