આજે પ્રમુખ સ્વામીની 103મી જન્મ જયંતી, પહેલો જન્મજયંતી મહોત્સવ 48 વર્ષની વયે ઉજવાયો હતો
1200થી વધુ મંદિરોની સ્થાપના કરનારા BAPSના 5મા ધર્મગુરુ વિશે જાણવા જેવી વાતો
Pramukh Swami 103 Birth Anniversary: બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના પાંચમાં ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આજે જન્મ જ્યંતીની ચારેકોર ઉજવણી થઈ રહી છે. ગુજરાતના વડોદરા નજીકના ચાણસદ ગામમાં એક ખેડૂત પરિવારમાં 7 ડિસેમ્બર, 1921ના રોજ તેમનો જન્મ થયો હતો અને 13 ઍગસ્ટ 2016(94 વર્ષ)ની ઉંમરે બ્રહ્મલીન થયા હતા. આજે પ્રમુખ સ્વામીની 103મી જન્મ જ્યંતી છે.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનો સૌથી પહેલો જન્મજ્યંતી મહોત્સવ વખત 48 વર્ષની વયે ઉજવ્યો હતો. એ પ્રસંગે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે દર વર્ષે પ્રમુખ સ્વામીનો જન્મોત્સવ ઉજવવાની ભક્તોને આજ્ઞા કરી હતી. આજે ઠેર-ઠેર તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે આજે તેમની જન્મ 103મી જન્ય જ્યંતીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુર્વણ જ્યંતીનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રમુખ સ્વામીનું સંસારી નામ શાંતિલાલ હતું. જો કે, તેઓ બાળપણથી જ હિમાલય જઈને આધ્યાત્મિક સાધના કરવાની લાગણી ધરાવતા હતા. આ દરમિયાન તેઓ કિશોરવયે જ ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યક્તિત્વથી આકર્ષાયા હતા. તેમણે 18 વર્ષની વયે જ પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાનું જીવન શાસ્ત્રી મહારાજને સમર્પિત કરી દીધું હતું.
ત્યાર પછી તેમણે વર્ષ 1940માં દીક્ષા લીધી અને તેમને નામ અપાયું નારાયણસ્વરૂપદાસ સ્વામી. જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિઃસ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા હતા. ત્યાર પછી બે જ વર્ષમાં એટલે કે 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા. ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના નામે લોકપ્રિય છે.
પ્રમુખ સ્વામી 1971માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે ગુરુપદે બિરાજમાન થયા બાદ અસંખ્ય લોકોના આધ્યાત્મિક પ્રેરણામૂર્તિ રહ્યા છે. તેમણે લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણા પૂરી પાડી છે. 'બીજાના ભલામાં આપણું જ ભલું છે...!' એ તેમના જીવનનો મંત્ર હતો. તેમને સામાજિક કાર્યો થકી અનેક લોકોને મદદ કરી. લોકસેવા માટે તેઓ વર્ષો સુધી અવિરત 17,000થી વધુ ગામડાં-નગરોમાં ફરતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ જેવા વિશ્વ પ્રસિદ્ધ મંદિર સહિત 1,200થી વધુ મંદિરો અને લોકસેવાના ધામ સ્થાપ્યા છે.