આજે ‘વિશ્વ સાપ દિવસ’ : ગુજરાતમાં દર મહિને 505થી વઘુ વ્યક્તિને કરડે છે સાપ
ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સર્પ દંશના કેસ વધી જાય છે : સાપ કરડે તો તાકીદે સારવાર જરૂરી
World Snake Day 2024 : ચોમાસાની સાથે જ ગુજરાતમાં સર્પ દંશના કેસમાં પણ વધારો થવા લાગે છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 33 હજારથી વઘુ વ્યક્તિને સાપ કરડી ચૂક્યા છે. સાપ કરડવાના સૌથી વઘુ કેસ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે.
દર વર્ષે 16 જુલાઇના ‘વિશ્વ સાપ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની ઘટનાઓમાં વધારો થાય છે. ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર 2019થી જૂન 2024 સુધી સાપ કરડવાના સૌથી વઘુ 3012 કેસ વલસાડમાં નોંધાયા છે જ્યારે ડાંગમાં 2186 સાથે બીજા સ્થાને છે. સર્પદંશના કારણે ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે.
ચોમાસામાં સર્પદંશ થવા પાછળ સર્પ વિશેષજ્ઞો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત સાપનાં ઈંડાંમાંથી બચ્ચાં નીકળવાના સમયને કારણભૂત માને છે. ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર સાપના દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે, સર્પદંશ થાય ત્યારે એક મિનિટનો પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય છે.
ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર ઝેરી સાપ કારણરૂપ હોય છે. જેમાં નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર)નો સમાવેશ થાય છે.
જાણકારોના મતે, બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે જ તે પોતાના બચાવના આખરી ઉપાય તરીકે મનુષ્યને કરડે છે. સાપને છંછેડો નહીં અને એની હાજરીથી તમે ગભરાઈ ન જાવ તો તે શાંતિથી તમારા પગ પરથી પણ સરકી જશે.
ગુજરાત-અમદાવાદમાં સર્પ દંશના કેસ
વર્ષ | ગુજરાત | અમદાવાદ |
2019 | 7036 | 103 |
2020 | 5311 | 101 |
2021 | 5334 | 116 |
2022 | 6313 | 160 |
2023 | 210 | 210 |
2024* | 2000 | 69 |
કુલ | 33,325 | 759 |