આજે બપોરે 2:00થી રાત્રે 12 વાગ્યા સુધી અમદાવાદના આ રસ્તા બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Muharram

Representative Image



Alternative Route On Muharram : આજે મોહર્રમ છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા માતમ મનાવાશે. મોહર્રમ નિમિત્તે તાજિયાના જૂલુસ નીકળશે. આ વર્ષે જૂલુસમાં 93 તાજિયા, 20 અખાડા, 78 ઢોલ-તાંસા-છેય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકરો, 14 અલમ નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ, 24 ટ્રક, 10 ઉંટગાડી અને ભવ્ય માતમ  સમુહ જોડાશે. 

ઈસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પ્રથમ મહિનો મોહર્રમ તરીકે ઓળખવામાં આવે છે. હઝરત ઈમામ હુસૈને કરબલામાં માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું. તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા જૂલુસ કાઢીને શોક મનાવવામાં આવે છે. મંગળવારે કતલની રાત હતી અને આ નિમિત્તે અલગ-અલગ વિસ્તારમાં તાજિયાના જૂલુસ નિયત માર્ગ પર નીકળ્યા હતા. તાજિયાના આ પાંચ સમુહમાં વહેંચાયેલા ભવ્ય જૂલુસને જોવા માટે ભારે ભીડ જોવા મળી હતી. 

તાજિયા કમિટી ચેરમેન પરવેઝ જે.વી. મોમીન, જનરલ સેક્રેટરી નુરભાઇ શેખે જણાવ્યું કે, ‘બુધવારે યવ્મે  આશુરાના દિવસે મન્નતના તાજિયા સવારે 9થી બપોરે 2 દરમિયાન નીકળશે. જે જુદા-જુદા વિસ્તારોમાંથી થઇ આસ્ટોડિયા રોડ ઉપર વિક્ટોરિયા ગાર્ડન થઇ એલિસબ્રિજ-નહેરુ બ્રિજની વચ્ચેની ખુલ્લી જગ્યામાં બનાવેલા હોજમાં તાજિયાને ઠંડા કરાશે. નંબરના તાજિયા બપોરના ઝોહરની નમાઝ બાદ નીકળશે. તેમના માટે ખાસ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તાજિયાને ઠંડા કરવા માટે ત્રણ મોટા હોજની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ’ 

મહોરમના તાજિયાને પગલે આજે અમદાવાદના 20 માર્ગોમાં બપોરે 2 થી રાત્રિના 12 સુધી વાહન વ્યવહારની અવર-જવરમાં પ્રતિબંધ રહેશે. તાજિયાનો સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન રહેશે. આ ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશનના મુસાફરો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઇ છે.  

કયો માર્ગ છે  ‘નો વ્હિકલ ઝોન’ 

આજે પિકનિક હાઉસથી રિવરફ્રન્ટ થી સરદાર બ્રિજ જતો માર્ગ, સરદાર બ્રિજ નીચેથી શાહીબાગ પિકનિક હાઉસ તરફ આવતો માર્ગ ‘નો વ્હિકલ ઝોન’ રહેશે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ અવર-જવર માટે દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, ચોખા બજારનો માર્ગ લઇ શકાશે. સુભાષ બ્રિજ, દધિચી બ્રિજ, સરદાર બ્રિજ, આંબેડકર બ્રિજમાં વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. 

કયા માર્ગમાં વાહન માટે બંધ 

દિલ્હી ચકલાથી મિરઝાપુર તરફ તથ ઘી કાંટાનો માર્ગ. શાહપુર દરવાજા હવાબંદરથી મિરઝાપુર ચોક સુધી. રેવડી બજારથી રીલિફ રોડમાં વીજળી ઘર સુધી. જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા. રાયખડથી ખમાસા ચાર રસ્તા. સારંગપુર સર્કલથી આસ્ટોડિયા દરવાજા-ખમાસા સુધી. નહેરુ બ્રિજ તરફથી રૂપાલી સિનેમા.

કામા હોટેલ સર્કલથી ખાનપુર દરવાજા સુધી. રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સર્કલ સુધી. વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ. ખારુનાળાથી ખાસબજાર. રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા ચોક. જસવંત શોપ ફેક્ટરીથી રાજનગર માર્કેટ. જલારામ મંદિરના ખાંચાથી રાજનગર માર્કેટ. મ્યુનિ. કોઠાથી દાણાપીઠ ચાર રસ્તા. ખમાસા ચોકી તરફથી પારસી અગીયારી. જિલ્લા પંચાયતથી ભદ્ર. વીજળી ઘર  ચાર રસ્તાથી ભદ્ર. રિલિફ રોડ ચાર રસ્તાથી ખાસ બજાર. પાનકોર નાકાથી ભદ્ર. 


Google NewsGoogle News