ગોધરામાં યોજાયેલી NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌંભાડનો પર્દાફાશ, ત્રણ સામે ફરિયાદ
NEET Exam Scam In Gujarat: ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલી નીટ (NEET)ની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે. નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાના કૌંભાડનો ખુલાસો થયો છે. જિલ્લા ક્લેટકરની સજાગતાથી સમગ્ર કૌંભાડ બહાર આવ્યું છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જિલ્લા ક્લેકટરને અંગત માહિતી મળતા કૌંભાડ બહાર આવ્યું
ગુજરાતમાં સરકારી નોકરીની પરીક્ષામાં ગેરરીતિ થયાના અનેક કિસ્સાઓ પ્રકાશિત થયા છે ત્યારે હવે રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરામાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારા માર્કસ સાથે પાસ કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ કૌંભાડનો પર્દાફાશ જિલ્લા ક્લેક્ટરની સજાગતાથી થયો છે. જિલ્લા ક્લેક્ટરને અંગત માહિતી મળી હતી અને તપાસ કરતા સમગ્ર કૌંભાડ સામે આવ્યું છે. બાતમીના આધારે નીટના પરીક્ષા કેન્દ્રમાં તપાસ કરવામાં આવતા આ કૌંભાડ બહાર આવ્યું છે.
સેન્ટર ડેપ્યુટી અધિકક્ષની કારમાંથી રૂપિયા મળી આવ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરીક્ષામાં સેન્ટર ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી મળ્યા સાત લાખ રૂપિયા મળી આવ્યા છે. એવી પણ વિગતો મળી રહી છે કે પરીક્ષામાં સારા માર્કસ આવે તે માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. નીટની પરીક્ષામાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવતી હતી. આ મામલે જિલ્લા શિક્ષણાદિકારીએ ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ ત્રણ શખ્શો સામે નોંધાવી છે.
ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
જિલ્લા શિક્ષણાધિકારીએ જે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તેમાં ગોધરાના જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરાનો સમાવેશ થયા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની ફરિયાદમાં છ વિદ્યાર્થીઓના નંબદ સહિતની વિગતો પણ આપી છે. નોંધનીય છે કે વડોદરાના તુષાર ભટ્ટ કે જેઓએ ગોધરા નીટની પરીક્ષા દરમિયાન ડેપ્યુટી સુપરિટેનડેન્ટ તરીકે ફરજ બજાવી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે IPC વિવિધ કલમો લગાવીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા
ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને સારા માર્ક્સ સાથે પાસ કરાવવાના કૌંભાડના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે 'અગાઉ પણ પેપરલીક થયા હતા જે સિલસિલો હજુ પણ યથાવત છે, સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.'