પાણીનું સ્તર જાણવા માટે અમદાવાદના ૧૯ અંડરપાસમાં ત્રણ કરોડના ખર્ચે વોટર સેન્સર લગાવાશે
પાણીનું લેવલ ૬૦ સેન્ટિમીટરથી વધશે તો બુમ બેરીયર આપોઆપ બંધ થશે
અમદાવાદ,ગુરુવાર,30 જાન્યુ,2025
અમદાવાદમાં આવેલા વિવિધ અંડરપાસમાં ચોમાસાના સમયે વરસાદી
પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરવા પડે છે. અંડરપાસમાં પાણીનું સ્તર જાણવા માટે
શહેરના ૧૯ અંડરપાસમાં રુપિયા ત્રણ કરોડના ખર્ચે વોટર સેન્સર લગાવવામા
આવશે.અંડરપાસમાં પાણીનુ લેવલ ૬૦ સેન્ટિમીટરથી વધશે તો બુમ બેરીયર આપોઆપ બંધ થઈ
જશે.
ગત વર્ષે ચોમાસાની ઋતુમાં અખબારનગર અંડરપાસ ખાતે વરસાદી
પાણીનુ સ્તર જાણવા માટે લાઈડાર લેવલ સેન્સર અને વોટર સેન્સર દ્વારા એક પાઈલોટ
પ્રોજેકટ કરવામાં આવ્યો હતો.જે કારણથી આ અંડરપાસમાં વરસાદના સમયે પાણીના લેવલનું
રીયલ ટાઈમ મોનિટરીંગ થઈ શકતુ હતુ.પાણીનુ નિયત લેવલ ૬૦ સેન્ટિમીટરથી વધે તો
ઓટોમેટિકલી બુમ બેરીયર બંધ કરીને અવરજવર બંધ કરી શકાતી હતી.પાઈલોટ પ્રોજેકટની
સફળતા પછી અન્ય ૧૯ અંડરપાસમાં લાઈડર બેજ વોટર સેન્સરના મારફતે અંડરપાસની છત ઉપર
સેન્સર લગાવી નીચે આવેલા રોડમાં એકત્રિત થતા વરસાદી પાણીનુ લેવલ જાણવામાં આવશે.આ
ઉપરાંત અંડરપાસની દિવાલ ઉપર ફૂટપાથ ઉપર લગાવવામા
આવેલા વોટર ડિટેકશન સેન્સર મારફતે અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સાથે વોટર લેવલ
મોનિટરીંગની કામગીરી પણ શરુ કરવામા આવશે.વરસાદના સમયમાં દર દસ સેકન્ડે આ સિસ્ટમ
મારફતે પાણીના લેવલની વિગત મ્યુનિ.ના મુખ્ય કંટ્રોલરુમ ખાતે મોકલવામા
આવશે.સોફટવેરના માધ્યમથી પાણીનુ લેવલ નિયત માત્રાથી વધેલુ જણાશે કે તરત જ
અંડરપાસની એન્ટ્રી ઉપર લગાવવામા આવેલા બુમ બેરીયરને બંધ કરવા ઓટોમેટિક સિગ્નલ
અપાશે જેથી તે બંધ થઈ જશે.