અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરાયો, જાણો કેટલા વાગ્યાથી એન્ટ્રી મળશે
માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી
ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, 26 ડિસેમ્બર 2022, સોમવાર
સમગ્ર વિશ્વમાં ફરીવાર કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. ત્યારે ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે અને રાજ્યોને સતર્કતા દાખવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યો દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ગઈકાલે કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થયો હતો. હજારો લોકો આ કાર્નિવલમાં જોવા મળ્યા હતાં. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં હજી લાખો લોકોની ભીડ ઉમટશે. ત્યારે કોરોનાને લઈને કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો છે. અગાઉ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્નિવલના તમામ કાર્યક્રમો થવાના હતાં. જે હવે સાંજે 6થી રાતે 9 વાગ્યા સુધી જ ચાલશે.
25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ કાર્નિવલ 31મી ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. અહીં સરેરાશ 20 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે. નાના બાળકો મનોરંજન માણી શકે તે માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકોની સુરક્ષા માટે કાંકરિયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. AMC દ્વારા અહીં આવનારા લોકોને માસ્ક આપવામાં આવે છે. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તે ઉપરાંત 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવી રહ્યા છે.