મકાન રિનોવેશન કે કન્સ્ટ્રક્શન કરાવી રહ્યા છો તો સાચવજો, 25 હજારથી 1 લાખ સુધી ભરવો પડી શકે છે દંડ
Construction West : અમદાવાદમાં નાગરિકો હવે કન્સ્ટ્રકશન વેસ્ટ રોડ ઉપર નાંખી શકશે નહીં. મ્યુનિસિપલ તંત્રના વિવિધ પ્રોજેકટો માટે કામ કરતી એજન્સીઓ પણ સાiટ બહાર રોડ ઉપર કચરો ફેંકી શકશે નહીં. રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ મળશે તો આ પ્રકારનો કન્સ્ટ્રકશન વેસ્ટ નાખનારા પાસેથી રૂપિયા 25 હજારથી લઈ એક લાખ સુધીનો દંડ વસૂલ કરાશે.
મ્યુનિસિપલ તંત્ર તરફથી કન્સ્ટ્રકશન વેસ્ટ નિકાલ માટે અગાઉ નકકી કરવામાં આવેલા દરમાં બેથી ત્રણ ગણો વધારો કરવા નિર્ણય કરાયો છે. શહેરના વિવિધ રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ પડ્યો ના રહે એ માટે સાત ઝોનમાં ઝોન દીઠ એક સેનિટેશન સ્કવોડને ફરજ ઉપર મૂકાશે. એક મેટ્રીક ટનથી ઓછા કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે રૂપિયા 200ના બદલે રૂપિયા 500 ચૂકવવા પડશે.
કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે રૂપિયા 500થી 3500 ચૂકવવા પડશે
શહેરના વિવિધ વિસ્તારમાં રોજબરોજ નાગરિકો દ્વારા તેમના મકાન, ઑફિસ કે વ્યવસાયના સ્થળે નાનું મોટું સમારકામ કે રિનોવેશન કરાવવામાં આવતું હોય છે. સમારકામની ચાલતી કામગીરી ઉપરાંત નવી બાંધકામ સાઇટની કામગીરી દરમિયાન કન્સ્ટ્રકશન સાઇટ ઉપરથી તૂટેલા પથ્થર, ઈંટ, રોડા સહિતની અન્ય સામગ્રી જાહેર રસ્તા ઉપર અથવા તો ખુલ્લા પ્લોટમાં નાંખી દેવામાં આવતી હોય છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વૉર્ડમાં 26 જેટલા પ્લોટ કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે નકકી કરેલા છે. આ પ્લોટ ઉપર શહેરીજનો તેમને ત્યાંથી નીકળતો કન્સ્ટ્રકશન વેસ્ટ નાખી શકે છે.
જો નાગરિકો મ્યુનિસિપલ તંત્રને 155303 નંબર ઉપર કન્સ્ટ્રકશન સાઇટ ઉપરથી નીકળેલા વેસ્ટના નિકાલ અંગે ફરિયાદ કરે તો મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિયત ચાર્જ લઈ કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હતો. મ્યુનિસિપલ તંત્રની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે વસૂલાતા હાલના દરમાં બેથી ત્રણ ગણો વધારો કરવાની સાથે ઝોન દીઠ એક સેનિટેશન સ્કવોડ જેમાં સેનેટરી ઇન્સપેકટર, સેનેટરી સબ ઇન્સપેકટર, સ્વચ્છતા સુપરવાઇઝર, નિવૃત્ત આર્મીમેન, ઉપરાંત મ્યુનિસિપલ તંંત્રના ક્લાર્કને ફરજ ઉપર મૂકાશે.
કન્સ્ટ્રકશન વેસ્ટ નિકાલ માટે મ્યુનિસિપલ તંત્રના હાલના તથા નવા દર કેટલા ?
વજન | જૂનો દર (પ્રતિ ટ્રીપ દીઠ) | નવો દર (પ્રતિ ટ્રીપ દીઠ) |
1 ટનથી ઓછું | 200 | 500 |
1થી 5 મેટ્રિક ટન | 500 | 2000 |
5 મેટ્રિક ટનથી વધુ | 350 | 3500 |