બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 89.51 ટકા વરસાદ, ડેમમાં અપૂરતો જળસંગ્રહ, ખેડૂતો ચિંતિત
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ 14માંથી 11 તાલુકામાં હજુ સુધી સિઝનનો 100 ટકા વરસાદ પડ્યો નથી. લાખણી, વડગામ અને ધાનેરાને બાદ કરતાં બાકીના 11 તાલુકામાં સિઝનનો સરેરાશ 64થી 99 ટકા વરસાદ થયો છે. જો કે, ચાલુ વર્ષે અપૂરતા વરસાદને લઈને જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ અને મુકેશ્વર ડેમમાં પણ અપૂરતો જળસંગ્રહ થયો છે. જેને કારણે સિંચાઈના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ સર્જાઈ શકે છે, જેથી ખેડૂતો તેમજ પશુ પાલકો ચિંતિત થઈ ઉઠ્યા છે.
પશુપાલન અને ખેતી પર નિર્ભર સરહદી બનાસકાંઠા જિલ્લામાં એકાંતરે વર્ષે અપૂરતા વરસાદ પડવાને લઈને વિવિધ વિસ્તારોમાં સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે. જો કે, ચોમાસુ સારું જાય તો મુખ્ય ત્રણ જળાશયોમાં પાણીનો સંગ્રહ થવાને કારણે મહદઅંશે સિંચાઈના પાણીની સમસ્યા નિવારી શકાય છે. પરંતુ નબળા ચોમાસાને લઈ જળાશયો ખાલી રહેવાથી ઉનાળાની ઋતુમાં પશુ પાલન અને ખેતી કરવી મુશ્કેલ બની જાય છે. જેમાં ચાલુ વર્ષે પણ જિલ્લામાં અપૂરતા વરસાદથી 11 તાલુકામાં હજુ સુધી 100 ટકા વરસાદ પડ્યો જ નથી.
આ પણ વાંચો: BSNL લેન્ડલાઈન ફોન ચાલુ જ રાખો, સિનિયર સિટીઝન્સે હાલાકી હોવા છતાં માગ સ્વીકારાતી નથી
જિલ્લામાં સિઝનનો સરેરાશ 89.51 ટકા વરસાદ
બનાસકાંઠા જિલ્લામા માત્ર લાખણી, વડગામ અને ધાનેરા તાલુકામાં 100 ટકા ઉપરાંત વરસાદ નોંધાયો છે. બાકીના 11 તાલુકામાં સરેરાશ 64થી 99 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ 89.51 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જો કે, જિલ્લામાં ચોમાસાના અઢી મહિના પસાર થયા હોવા છતાં મોટા ભાગના જળાશયો ખાલી હોવાના કારણે આગામી સમયમાં સિંચાઈના પાણીની તંગી વર્તાવાની ભીતિને લઈને ધરતીપુત્રો ચિંતિત બન્યા છે .
સૌથી વધુ લાખણીમાં 133.39 ટકા વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ વરસાદ લાખણી તાલુકામાં 133.39 ટકા નોંધાયો છે. જ્યારે સોથી ઓછો રણ વિસ્તાર ધરાવતા સૂઈગામમાં માત્ર 64.15 ટકા નોંધાયો છે અને દાંતા અને ભાભરમાં 99 ટકાથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે જિલ્લામાં કુલ.89.51 ટકા વરસાદ નોંધાયો છે.