સીબીઆઇની રેડ હોવાનું કહીને ત્રણ શખ્સોએ રૂમમાં આવીને લૂંટનો પ્રયાસ કર્યો

વાયએમસીએ ક્લબમાં બનેલી ચોંકાવનારી ઘટના

એડ ફિલ્મ માટે ફરિયાદી તેના મિત્ર સાથે મિટીંગ માટે ગયા હતા ઃ ક્લબના રૂમ સુધી નકલી પોલીસ બનીને યુવકો ઘુસતા સુરક્ષાને લઇને અનેક સવાલ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
સીબીઆઇની રેડ હોવાનું કહીને ત્રણ શખ્સોએ રૂમમાં આવીને લૂંટનો પ્રયાસ કર્યો 1 - image

અમદાવાદ,શનિવાર

એસજી હાઇવે પર આવેલી વાયએમસીએ ક્લબના રૂમમાં એડ ફિલ્મની શૂંટીગ માટે મિટીંગ કરી રહેલા લોકોના રૂમમાં ત્રણ અજાણ્યા લોકો સીઆઇડી ક્રાઇમની રેડ હોવાનું કહીને ઘુસી ગયા હતા. તેમણે તમામ સામે ખોટા કેસ કરવાની ધમકી આપીને રોકડમાં તેમજ વોલેટ દ્વારા નાણાંની માંગણી કરી હતી.  જો કે રૂમમાં રહેલા લોકોએ પ્રતિકાર કરીને વિડીયો શુટ કરતા ત્રણેય લોકો નાસી ગયા હતા.  જાણીતી ક્લબમાં બનેલી આ ઘટનાને  પાંચ દિવસ ઉપરાંતનો સમય પસાર થયો હોવા છતાંય, આરોપીઓ અંગે આનંદનગર પોલીસને કોઇ કડી ન મળતા પોલીસની તેમજ ક્લબની સ્થાનિક સિક્યોરીટીની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. હાંસોલમાં આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા સુમિત ખાનવાણી ફિલ્મ અને એડ મેકિંગનો વ્યવસાય કરે છે.ગત ૨જી સપ્ટેમ્બરના રોજ તેમને ગ્રીષ્મ જોષી નામના વ્યક્તિએ તેમના સ્ટાર્ટઅપની એડનું શુટીંગ કરવાનું હોવાની મળવાનું કહ્યું હતું. ત્યારબાદ ગ્રીષ્મ જોષીએ જણાવ્યું હતું કે તેમની કંપની ચાંંગોદરમાં આવેલી છે અને તેમની પાસે વાયએમસીએ ક્લબની મેમ્બર શીપ હોવાથી ત્યાં મીટીંગનું નક્કી થયું હતું. ત્યારબાદ રાતના સમયે સુમિતભાઇ તેમના બે મિત્રો સાથે વાયએમસીએ ક્લબ ગયા હતા.

જ્યાં સૌમિલ નામના વ્યક્તિ ક્લબના બીજા માળે રૂમમાં લઇ ગયો હતો. જ્યાં કૃણાલ નામના વ્યક્તિ સાથે એડ અંગે વાતચીત ચાલતી હતી. ત્યારે ત્રણ અજાણ્યા લોકો રૂમમાં આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ સીબીઆઇના અધિકારી તરીકે આપીને રેડ હોવાનું કહીને સુમિતભાઇને તમાચો માર્યો હતો. આ દરમિયાન તેમણે આઇડી માંગતા ત્રણ પૈકી એક વ્યક્તિએ કાર્ડ બતાવીને તેમની પાસે રહેલી બેગમાંથી દારૂની બોટલ અને સફેદ પાવડરનું પડીકું બહાર કાઢ્યા હતા. આ સમયે સુમિતભાઇના મિત્રએ હિંમત કરીને વિડીયો બનાવતા ત્રણેય લોકો નાસી ગયા હતા. આ ઘટના બાદ સુમિતભાઇ વાયએમસીએ ક્લબથી આનંદનગર પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં પોલીસે ગંભીર ઘટનામાં તુંરત સ્થળ પર તપાસ કરવાને બદલે માત્ર સાદી અરજી લીધી હતી.

ઘટનાના બીજા દિવસે જ્યારે સુમિતભાઇ શુટ કરેલો વિડીયો જોતા હતા. જેમાં કાર નંબરને આધારે તપાસ કરતા કાર ધનરાજ રાઠોડના નામે રજીસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું હતું.  જેના આધારે સોશિયલ મિડીયા પર તપાસ કરતા તેમણે ધનરાજ રાઠોડને તેમજ તેની સાથે આવેલા વિજયસિંહ પરમાર અને વિરેન્દ્રસિંહ  ચાવડાને પણ ઓળખ્યા હતા. ત્યારબાદ ઘટનાના પાંચ દિવસ બાદ આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી હતી. જો કે ફરિયાદ નોંધાયાના ૨૪ કલાક બાદ પણ પોલીસ હજુ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.

 

નકલી અધિકારીનો કેસ હોવા છંતાય, આનંદનગર પોલીસના પીઆઇએ ત્વરીત કામગીરી ન કરી

સામાન્ય રીતે લૂંટ, ધાડ, ચોરી કે લૂંટનો પ્રયાસની ઘટના બને ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર વિઝીટ કરીને કામગીરી કરવાની રહે છે. પરંતુ, વાયએમસીએ જેવી પ્રતિષ્ઠિત ક્લબમાં ઘટના બની હોવાથી  આનંદનગર પોલીસે કોઇ દબાણમાં આવીને માત્ર અરજી લીધી હતી અને  પોલીસ ઇસ્પેક્ટર તપાસ કરવા માટે પણ ગયા નહોતા. ેએટલું જ તાત્કાલિક ક્લબના સીસીટીવી મેળવવાની કામગીરી કરી નહોતી. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓએ પણ નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. કારણ કે જે કામગીરી પોલીસે કરવાની હોય તે કામગીરી ફરિયાદીએ કરીને આરોપીઓ અંગે વિગતો આપી હતી.


Google NewsGoogle News