અથાણાંમાંથી ગરોળી, ઠંડા-પીણાંમાંથી કાનખજૂરો...: બહારનું ખાવું એટલે રોગને આમંત્રણ, એક જ દિવસમાં ત્રણ ઘટનાઓ
છેલ્લા ઘણાં સમયથી ખાણીપીણીની વસ્તુઓમાં જીવ જંતુ જોવા મળ્યા હોય તેવા કેટલાંય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તેવામાં જમવાની જગ્યાએ જેર પિરસવામાં આવતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં એકજ દિવસમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવ જંતુ નીકળ્યાં હોવાની ત્રણ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બીજી તરફ ઓનલાઈન જમવાનું ઓર્ડર કરતાં ખાવાના શોખીન લોકોમાં તેમની સાથે આવી ઘટના ના ઘટે તેની ચિંતા સતાવી રહી છે.
અથાણાના ડબ્બામાંથી ગરોળી નીકળી
શહેરના આનંદનગરમાં રહેતા જોધપુરના રાવલ પરિવારે ગત 28 મેના રોજ વેજલપુર સ્થિત શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યુ હતું. પરિવાર રોજબરોજ અથાણાના ડબ્બામાંથી અથાણુ ખાતા હતા. પરંતુ ગઈ કાલે (27 જૂન) અથાણુ પૂરુ થવાના આરે આવતા તેમાંથી ચમચી વડે વધેલુ અથાણુ બહાર નીકાળતા આખી નાની ગરોળી નીકળી હતી. વિશેષમાં પરિવારે જણાવ્યુ હતું કે, અથાણુ રોજ ખાતા હોવાથી છેલ્લા એક મહિનાથી પરિવારને ઝાડા ઊલટીની અસર રહી હતી.
બીજા કિસ્સાની વાત કરીએ તો, સરખેજના ગંજ પાન પાર્લર માંથી ગ્રાહકે ઠંડા પીણાની બોટલ ખરીદી હતી. બોટલ ખોલતા તેમાંથી કાનખજુરો નીકળ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો ગ્રાહકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઠંડુ પીણુ પીવાથી ગ્રાહકે તબિયત પણ લથડી હોવાનો દાવો ગ્રાહકે કર્યો હતો. જો કે, AMCએ વાયરલ વીડિયોના આધાર પાન પાર્લરને સીલ કરી દીધું હતું
અન્ય ત્રીજા ઘટના છે અમદાવાદના નરોડા વિસ્તારની. જેમાં એક વાયરલ વીડિયો પ્રમાણમાં સામે આવ્યું હતું કે, નરોડાની પ્રખ્યાત મયુર હોટલના પંજાબી શાખની વાનગી માંથી વંદો નીકળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આઠ દિવસ પહેલાની ઘટનામાં તંત્રની કામગીરી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા આવેલા ગ્રાહકના સંભારમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું. આ સમગ્ર મામલે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરી હતી. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં આ અંગે જાણ કરાતા તંત્ર દ્વારા રેસ્ટોરન્ટમાં ભારે ગંદકી રહેતી હોવાથી 20 જૂનના રોજ સીલ કરવામાં આવી હતી.