આ જિલ્લામાં ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જુઓ 18 જુલાઇ સુધી ક્યાં ક્યાં થશે મેઘમહેર
Gujarat Weather Updates : રાજ્યના દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના કેટલાંક ભાગોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. તેવામાં આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરતાં જણાવ્યું હતું કે, નવસારી, વલસાડ, તાપી અને ભરુચમાં અતિભારે, જ્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર
14 જુલાઈના દિવસે રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ હળવો રહેશે.
આવતી કાલે અહીં પડશે ભારેથી અતિભારે વરસાદ
15 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.
16 જુલાઈના દિવસે કેવો રહેશે વરસાદ
આ દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
17 જુલાઈના દિવસે રાજ્યના મોટા ભાગના સ્થળે મેધમહેર
આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.
18 જુલાઈના દિવસે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
18 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.