સુરતના આદિવાસી ગામની આ શાળા આગળ શહેરની સ્કૂલો પણ પાણી ભરે, વિદ્યાર્થીઓ બોલે છે સાત ભાષા
મુસ્લિમ શિક્ષક શીખવે છે ભગવદ ગીતાના પાઠ
Surat Tribal School : સુરતની ઝાંખરડા ગામની પ્રાથમિક શાળા શહેરની શાળાઓને પણ ટક્કર મારે તેવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંના બાળકોનાં નામ પિકોક, એપલ, બ્લેક કેટ અને લાયન છે. અહીંનાં બાળકો ગુજરાતના તમામ જિલ્લાઓના નામ કડકડાટ બોલે છે. એટલું જ નહી, અહીંનાં બાળકો સાત ભાષા બોલે છે અને તેમનું દેશ-વિદેશનું જ્ઞાન અચરજ પમાડે તેવું છે.
સુરતથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા ઝાંખરડા ગામની શાળાના તમામ બાળકોના નામ અનોખા છે. અહીંના પ્રિન્સિપાલનું કહેવું છે કે આ ખાસ નામ આપવા પાછળનું કારણ જાતિ અને ધર્મના સીમાડા ખતમ કરવાનું છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારની આ સ્કૂલની માત્ર આ જ એક ખાસિયત નથી. અહીંના બાળકો સાત ભાષા પણ શીખે છે. શાળા વિદ્યાર્થીઓને સાત ભાષામાં બેઝિક લેંગ્વેજ સ્કિલ શીખવાડે છે. ખાસ વાત એ છે કે આ તમામ બાળકો ગરીબ પરિવારોમાંથી આવે છે.
અભ્યાસક્રમ સિવાય સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને સામાજિક અને સાંસ્કૃતિક પાસાં શીખવા પર પણ જોર આપે છે, જેમાં પોતાનાથી મોટા લોકોનું સન્માન કરવું અને ધાર્મિક ગ્રંથોમાંથી મળતી શીખને જીવનમાં ઉતારવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. ઝાંખરડા પ્રાથમિક શાળાના આ મોડલથી સારા પરિણામો મળી રહ્યા છે, આ મોડલ અન્ય મોટી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પોતાની તરફ આકર્ષી રહ્યું છે. શાળામાં કંઈક નવું શીખવાના હેતુ સાથે સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ અહીં વાંચવા આવે છે.
વિદ્યાર્થીઓને શાળા માટે લગાવ હોવાનું કારણ અહીંની અનોખી શિક્ષણ પદ્ધતિ છે. ઝાંખરડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઈચ્છા છે કે તમામ શાળાઓ એવી હોય કે જ્યાં શીખવું અને શીખવાડવું કંટાળાજનક ન હોય.