Get The App

...આ સરકારી જમીન પર કબજો કરવાની એક રીત', મંદિર મામલે ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી

- ચાંદલોડિયાના 93 પરિવારોએ રોડ નિર્માણનો વિરોધ કરતા અરજી દાખલ કરી છે

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
...આ સરકારી જમીન પર કબજો કરવાની એક રીત', મંદિર મામલે ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી 1 - image


અમદાવાદ, તા. 01 માર્ચ 2024, શુક્રવાર

ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ એક રોડ માટે ડિમોલિશન કાર્યવાહી મુદ્દે અમદાવાદના કેટલાક લોકો હાઈકોર્ટ પહોંચ્યા હતા અને એક મંદિરને તોડી પાડવામાં ન આવે તે માટે વિનંતી કરી હતી. અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કહ્યું કે, મંદિર બનાવવું એ પણ સરકારી જમીન પર કબજો કરવાની એક રીત છે. તેમણે કહ્યું કે, આ રીતે લોકો બધાને ઈમોશનલ બ્લેકમેલ કરે છે. ભારતમાં સરકારી જમીન પર કબજો કરવાની એક રીત મંદિર બનાવી દેવું એ પણ છે. 

એક અહેવાલ પ્રમાણે ચાંદલોડિયાના 93 પરિવારોએ રોડ નિર્માણનો વિરોધ કરતા અરજી દાખલ કરી છે. સિંગલ જજની અદાલતમાં અરજી ફગાવી દીધા બાદ તેમણે ડિવીઝન બેન્ચ સામે અપીલ દાખલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્વાસન મળ્યુ હોવા છતાં કે કોઈના ઘર તોડી પાડવામાં નહીં આવશે તો પણ અરજદારોએ સૂચિત રોડ પરથી એક મંદિરને બચાવી લેવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, સમગ્ર સમુદાયની ભાવનાઓ તેની સાથે જોડાયેલી છે અને દરેકે તેને બનાવવામાં યોગદાન આપ્યું છે.

આ સરકારી જમીન પર કબજો કરવાની એક રીત

ચીફ જસ્ટિસે કહ્યું કે, હું એ જરૂર કહીશ કે તમે આ રીતે બીજાને ઈમોશનલી બ્લેકમેલ કરો છો. તમે સરકારી મિલકતો પર કબજો કરી રહ્યા છો અને આ બધે થઈ રહ્યું છે. જસ્ટિસે કહ્યું કે અરજદારો પાસે જે જમીન પર મંદિર છે તેના પર માલિકીનો અધિકાર નથી. જજે કહ્યું કે, એવું કહીને કે મંદિર હટાવી દેવામાં આવશે, તમે ભાવનાઓનો ફાયદો ઉઠાવવા માંગો છો.

આગામી સુનાવણી 14મી માર્ચે થશે

ત્યારબાદ જજે ઘરોને મંદિરમાં બદલીને ગેરકાયદેસર બાંધકામને બચાવવાની વાત કરતા કહ્યું કે, તમે ઘરની બહાર કેટલાક પ્રતીકો મૂકીને તેને મંદિર બનાવી દો. ભારતમાં જમીન પર કબજો કરવાની આ એક રીત છે. વચગાળાના આદેશમાં કોર્ટે ડિમોલિશન વિરુદ્ધ રક્ષણ પૂરું પાડ્યું છે. આગામી સુનાવણી 14મી માર્ચે થશે.


Google NewsGoogle News