અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, શહેરના અનેક વિસ્તારમાં ઝાપટા, ખેડૂતોને નુકસાનની ભીતિ
Unseasonal Rain In Gujarat: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણાં વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર બાદ અમદાવાદમાં પણ કમોસમી વરસાદ શરુ થયો છે. શહેરના સિધુ ભવન, એસજી હાઈવે, પ્રહલાદ નગરમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
22 જિલ્લામાં વરસાદનું એલર્ટ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જેમાં સાઉથ બોપલ, બોડકદેવ, ગોતા પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે 22 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ચારેય ઝોનના કુલ 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરુ થયો હતો, જ્યારે કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું હતું, તો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની થતા ઘઉં, જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.