અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડીની સંભાવના નહીંવત્
Gujarat Weather: અમદાવાદમાં નવેમ્બર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ ખૂબ જ સામાન્ય રહ્યું હતું. નવેમ્બરમાં લધુતમ તાપમાનનો પારો એકપણ વાર 15 ડિગ્રીથી નીચે ગયો ન હોય તેવું પાંચ વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. પાંચ વર્ષ બાદ પહેલી ઘટના કે નવેમ્બરમાં અમદાવાદમાં પારો 15 ડિગ્રીથી નીચે ગયો નહીં. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્ છે.
આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.
29મી નવેમ્બરની રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 13, વડોદરામાં 13.2, ડીસામાં 13.5, રાજકોટમાં 15, ગાંધીનગરમાં 15.3, પોરબંદરમાં 15.8, ભુજમાં 16.3, ભાવનગરમાં 17.5, સુરતમાં 19 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આ પછીના ચાર દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે.'