ગુજરાતમાં હજારો પ્રી-સ્કૂલ પણ માંડ 400નું જ રજિસ્ટ્રેશન, નવી પોલિસી હેઠળ એક વર્ષની મુદ્દત પૂર્ણ
Pre-School Registration In Gujarat: ગુજરાતમાં હજારો પ્રી-સ્કૂલો આવેલી છે અને જેમાંથી અનેક બંગ્લાઓમાં એપોર્ટમેન્ટોમાં અને બિલ્ડિંગમાં ચાલે છે. પરંતુ સરકારે લાગુ કરેલી પ્રી-સ્કૂલોની પોલીસી અંતર્ગત એક વર્ષની મુદત પુરી થયા બાદ પણ માંડ 400 જેટલી જ પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. રજિસ્ટર્ડ ભાડા કરાર અને એજ્યુકેશન બી.યુ પરમિશન સહિતના નિયમોને લઈને વિરોધ અને છુટછાટ આપવાની અનેકવાર રજૂઆતો સાથે આંદોલન છતાં પણ સરકારે નિયમોમાં છુટછાટ આપી નથી.
સરકારે નિયમો હળવા ન કર્યા
રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેડ-ખાનગી પ્રી સ્કૂલોને પણ સ્કૂલ શિક્ષણ સમાવવા સાથે 15મી મે 2023ના રોજ પ્રી-સ્કૂલ પોલીસીનો ઠરાવ કર્યો હતો. પોલીસી ફરો રેગ્યુલેશન ઓફ નોન ગ્રાન્ટેડ પ્રાઈવેટ પ્રી-પ્રાયમરી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ નામથી થયેલા આ નોટિફેશન-રૂલ્સમાં રાજ્યમાં આવેલી તમામ ખાનગી પ્રી-પ્રાયમરી સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામા આવી હતી. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને ગુજરાત સ્ટેટ પ્રી-પ્રાયમરી રેગ્યુલેટરી ઓથોરિટી તરીકે નિમી હતી. આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2024માં વિધિવત રીતે રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરીને પ્રી-સ્કૂલોની નોંધણી કરવાનું શરૂ કર્યુ હતુ.
આ પણ વાંચો: દિલ્હીમાં વહેલી પરોઢે 4.0 તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ, PM મોદીની લોકોને અપીલ
નોંધણી માટે એક વર્ષની મુદત આપવામા આવી હતી. પરંતુ નિયમોમાં એજ્યુકેશનલ બી.યુ પરમિશનથી માંડી રજિસ્ટર્ડ ભાડા કરાર સહિતની જોગવાઈ હોવાથી સ્કૂલોની નોંધણી જ થઈ શકે તેમ ન હતી. હાલ એક વર્ષની મુદત પુરી થઈ ગઈ છે, ત્યારે રાજ્યની અંદાજે 25થી 30 હજાર જેટલી પ્રી-પ્રાયમરી સ્કૂલોમાંથી માંડ 400થી 450 જેટલી જ પ્રી-સ્કૂલોની નોંધણી થઈ શકી છે. જ્યારે પોર્ટલમાં 2100થી વધુ પ્રી-સ્કૂલોની અરજીઓ આવી છે.જ્યારે હજારો પ્રી-સ્કૂલોની તો અરજી પણ થઈ શકી નથી.
પ્રી-સ્કૂલોના એસોસિએશન દ્વારા સરકારને અનેકવાર લેખિત રજૂઆત કરવામા આવી હતી કે રેસિડેન્સિયલ કે કોમર્સિયલ કે એજ્યુકેશન સહિત કોઈ પણ બી.યુ પરમિશન માન્ય રાખવામા આવે તેમજ જો બી.યુ ન હોય તો સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને માન્ય રાખવામા આવે. ઉપરાંત 15 વર્ષના ભાડા કરારને બદલે 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરાર મંજૂર રાખવામા આવે તેમજ ટ્રસ્ટ,કંપની કે સોસાયટી સાથે પ્રોપરાઈટર અથવા તો ભાગીદારી હેઠળ શરૂ થયેલી પ્રી-સ્કૂલની નોંધણીનો વિકલ્પ આપવામા આવે. આ રજૂઆતો સાથે પ્રી-સ્કૂલોએ સંસ્થાઓ બંધ રાખવા સહિતનું આંદોલન પણ કર્યુ હતું તેમજ છેલ્લે સરકાર સાથે મીટિંગ પણ થઈ હતી. સરકારે કેટલાક નિયમોમાં છુટછાટ આપવા આશ્વાસન આપ્યુ છે, પરંતુ હજુ સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. જો કે, મુદત પુરી થયા બાદ પણ સરકારે હાલ રજિસ્ટ્રેશન પોર્ટલ ઓપન રાખ્યુ છે.