Get The App

તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટ મનીષ પટેલે કહયું, મેં કોઈ કૌભાંડ આચર્યુ નથી, ત્રણ મોત SVP હોસ્પિટલમાં થયા હતા

૪૦થી ૪૫ કિલનિકલ ટ્રાયલ થયા એના છ કરોડ આવ્યા એ વી.એસ.હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થયા હતા

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટ મનીષ પટેલે કહયું, મેં કોઈ કૌભાંડ આચર્યુ નથી, ત્રણ મોત SVP હોસ્પિટલમાં થયા હતા 1 - image


અમદાવાદ,શુક્રવાર,25 એપ્રિલ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં કિલનિકલ રીસર્ચ કૌભાંડને લઈ તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટ મનીષ પટેલે કહયુ,મેં કોઈ કૌભાંડ આચર્યુ નથી.કિલનિકલ રીસર્ચ દરમિયાન જે ત્રણ મોત થયાની વાત છે તે ત્રણ મોત એસ.વી.પી.હોસ્પિટલમાં થયા હતા. ૪૦થી ૪૫ જેટલા કિલનિકલ ટ્રાયલ થયા એના છ કરોડ રુપિયા આવ્યા એ વી.એસ.હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થયા હતા.મારા કે મારા સગા સંબંધીના એકાઉન્ટમાં કોઈ રકમ જમા થઈ નથી.

છેલ્લા ઘણાં સમયથી વિવાદાસ્પદ બનેલા વી.એસ.હોસ્પિટલ ખાતે કિલનિકલ રીસર્ચ કૌભાંડને લઈ શુક્રવારે તપાસ કમિટી સમક્ષ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ પટેલ, સસ્પેન્ડ કરાયેલા ડોકટર દેવાંગ રાણા હાજર થયા હતા.તપાસ સમિતિની કાર્યવાહી અગાઉ વી.એસ.હોસ્પિટલખાતે આવેલા ટ્રોમા સેન્ટરના કિલનિકલ ટ્રાયલ રીસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવેલા પાંચ રુમ સીલ કરી દેવામાં આવ્યા હતા.તપાસ સમિતિ દ્વારા આ બંનેના નિવેદન કિલનિકલ રીસર્ચ કૌભાંડ મામલે નિવેદન લેવામાં આવ્યા હતા.હોસ્પિટલના તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ પટેલે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ,મેં કોઈ  કૌભાંડ આચર્યુ નથી.ટ્રાયલ લિગલ થયા છે.કમિટીની મંજુરી મળી છે.હોસ્પિટલમાં કિલનિકલ ટ્રાયલ થયા એ એથિકસ કમિટીના નિયમ મુજબ જ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં એથિકસ કમિટી ના હતી તેમ છતાં કિલનિકલ ટ્રાયલ કરવામા કેવી રીતે આવ્યા એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહયુ,પચાસ કિલોમીટરની રેડીયસમાં એમ.ઓ.યુ કરી કિલનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા.ટ્રાયલ દરમિયાન જે ત્રણ મોત થયાની વાત છે એ પૈકી એક પણ મોત વી.એસ.હોસ્પિટલમાં થયુ નથી.તમામ ત્રણ મોત એસ.વી.પી.હોસ્પિટલ ખાતે થયા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલ એન.એચ.એલ. મેડીકલ કોલેજ સાથે સંલગ્ન છે. એન.એચ.એલ.મેડીકલ કોલેજ તરફથી અમને લેટર મળ્યો હતો.ઉપરથી મંજુરી લીધા પછી અમે તમામ કિલનિકલ ટ્રાયલ કર્યા હતા.અમારુ કોઈ જોઈન્ટ એકાઉન્ટ નહતુ.ડોકટર દેવાંગ રાણાના ઉપરી અધિકારી તરીકે હું નહતો.તેમનુ પોસ્ટિંગ એન.એચ.એલ. મેડીકલ કોલેજમાંથી વી.એસ.હોસ્પિટલ ખાતે થયુ હતુ એવું જાણવા મળ્યુ છે.

કિલનિકલ ટ્રાયલના અંતે પૈસા આવતા હોય છે

વી.એસ.હોસ્પિટલ કિલનિકલ રીસર્ચ ટ્રાયલની રકમને લઈ હોસ્પિટલના તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટે કહયુ, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ  જ ચારથી પાંચ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ.કરી કિલનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ ટ્રાયલના અંતે પૈસા આવતા હોય છે.કયારેક કયારેક વચ્ચે પણ પૈસા આવતા હોય છે.કિલનિકલ ટ્રાયલ બે કે ત્રણ વર્ષ ચાલે તો એ મુજબ પૈસા આવતા હોય છે.પરંતુ આ પૈસા હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થતા હોય છે. એઈમ્સ અને પુંડીચરી ગવર્મેન્ટ તથા આપણે ત્યાં પણ ૧૦ ટકા પૈસા આવતા હોય છે.

વર્ષ-૨૦૨૧માં ડેપ્યુટી કમિશનર(હેલ્થ-હોસ્પિટલ)ની મંજૂરી પછી ટ્રાયલ શરુ કરાયા,ડોકટર દેવાંગ રાણા

વી.એસ.હોસ્પિટલ ખાતેથી સસ્પેન્ડ કરાયેલા ડોકટર દેવાંગ રાણા શુક્રવારે તપાસ કમિટી સમક્ષ જવાબ લખાવવા હાજર થયા હતા.જે પછી મિડીયા સાથેની વાતચીતમાં તેમણે કહયુ,વર્ષ-૨૦૨૧માં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ-હોસ્પિટલ)ની મંજૂરી વાળો પત્ર મળ્યા પછી જ કિલનિકલ ટ્રાયલની કામગીરી શરુ કરવામાં આવી હતી.વી.એસ.હોસ્પિટલમાં તેમના કાર્યકાળમાં કિલનિકલ ટ્રાયલ દરમિયાન એક પણ મોત થયુ નહતુ.તેમને સાંભળ્યા વગર સસ્પેન્ડ કરવાનો એક તરફી નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ પણ તેમણે કહયુ હતુ.

કલિનિકલ કૌભાંડની તપાસને લઈ ભાજપ-કોંગ્રેસે ચૂપકીદી સેવી લીધી

વી.એસ.હોસ્પિટલ ખાતે કિલનિકલ રીસર્ચ ટ્રાયલ કૌભાંડને લઈ મ્યુનિસિપલ બોર્ડમાં જોરશોરથી મુદ્દાને ચગવનારા વિપક્ષ કોંગ્રેસે તપાસ શરુ થતાની સાથે જ ચૂપકીદી સેવી લીધી છે.જયારે સત્તાધારી ભાજપ તરફથી શહેરના મેયર અને વી.એસ.બોર્ડના ચેરમેન ખાલી એટલી પ્રતિક્રીયા આપે છે કે,તપાસ પુરી થયા પછી જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના જીવન સાથે ચેડાં કરીને કિલનિકલ રીસર્ચ માટે ટ્રાયલ કરવામાં આવ્યા એ બાબતની ગંભીરતા નથી કોંગ્રેસ કે નથી ભાજપને.

Tags :